મોબાઈલ તેમજ ગેસ સિલિન્ડર ચોરી જતી ટોળકીના બે સાગરિત પકડાયા
- ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાંથી
- એલસીબીએ સેક્ટર-11 રામકથા મેદાન પાસેથી ઝડપી લીધા અન્ય બે સાગરિતોની પણ શોધખોળ શરૃ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલ તેમજ ગેસ સિલિન્ડર ચોરી જતી ટોળકીના બે સાગરીતોને એલસીબી ટીમ દ્વારા સેક્ટર-૧૧ રામકથા મેદાન પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા અને સાત મોબાઈલ તેમજ બે સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીની સાથે નાની મોટી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા તેને ઉકેલવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને એલસીબી ટુ પીઆઇ એચ.પી પરમાર દ્વારા સ્ટાફના માણસોને એલર્ટ રહીને આ પ્રકારના ગુનાઓ ઉકેલવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, ચોરીના મોબાઇલ વેચવા માટે બે શખ્સો એસ.ટી ડેપો વિસ્તારમાં ફરી રહ્યા છે. જે બાતમીના આધારે એલસીબીએ રામકથા મેદાન ખાતેના સર્વિસ રોડ પરથી બે શકમંદોને પકડી લઈ પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ ભાવેશ દેવાભાઇ ઠાકોર રહે. સેક્ટર - ૧૧, અખબાર ભવન સામેના છાપરા તેમજ અજય ઉર્ફેે અજ્જુ કિશનજી મારવાડી રહે. એસ.ટી ડેપોની પાછળના ભાગે હોવાનું જણાવ્યું હતું. જેઓ પાસેથી એલસીબીએ સાત મોબાઇલ ફોન તેમજ ગેસના બે બાટલા કબજે કરી વધુ પૂછતાંછ કરતાં, બંને જણા મનોજ દંતાણી અને અનિલ દંતાણી બન્ને રહે સેક્ટર - ૧૩ છાપરા સાથે મળીને સાતેય ફોન પથિકાશ્રમ એસ.ટી ડેપો તથા તેની આજુબાજુથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી અને ગેસના બાટલા પણ જળશક્તિ ભવન અને સેક્ટર - ૭ વિસ્તારના ગલ્લા પરથી ચોર્યા હોવાની વધુમાં કબૂલાત કરી હતી. જેથી તેમની ધરપકડ કરીને અન્ય સાગરીતોને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.