ઇન્દ્રોડા પાર્કમાં બે દીપડાને ઓપન મોટ પ્રકારના પાંજરામાં અંતે ખુલ્લા મુકાયા

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
ઇન્દ્રોડા પાર્કમાં બે દીપડાને ઓપન મોટ પ્રકારના પાંજરામાં અંતે ખુલ્લા મુકાયા 1 - image


સક્કરબાગ ઝુમાંથી ૨૦ દિવસથી લાવી દીધા બાદ

નવું આકર્ષણ ઉમેરાયુંઃહાલ પાર્કમાં કુલ ચાર દીપડા પરંતુ સંગ્રાહલયમાં આ દીપડાને એક સાથે રખાશે નહીં

ગાંધીનગર :  ગાંધીનગરના પાદરે આવેલા ગીર ફાઉન્ડેશન સંચાલીત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં દીપડાની જોડી લાવી દેવામાં આવી હતી તેને આજે મુલાકાતીઓ માટે પાંજરામાં ખુલ્લી મુકવામાં આવી છે. સક્કરબાગ ઝુમાંથી લાવવામાં આવેલી આ શ્રવણ અને રક્ષા નામના દીપડા હવે ઇન્દ્રોડા પાર્કનું નવુ નજરાણું બનશે. આ ઉપરાંત વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી અને પેઇન્ટીંગ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

ગીર ફાઉન્ડેશન સંચાલીત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં અગાઉ બે દીપડા છે ત્યારે સક્કરબાગ ઝુમાંથી વધુ એક દીપડાની પૈર એટલે કે, બે દીપડા લાવવામાં આવ્યા છે. શ્રવણ અને રક્ષા નામના બે દીપડાને ઇન્દ્રોડા પાર્કમાં લાવ્યા બાદ ૨૦ દિવસનો સમય થઇ ગયા બાદ આજે મુલાકાતીઓ માટે તેને ઓપન મોટ પ્રકારના પાંજરામાં ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ કેજ કે પ્રાણીસંગ્રહાલયમાં દીપડાને મેટીંગ માટે પરમીશન નહીં હોવાને કારણે આ બન્ને દીપડાને એક જ પાંજરામાં એક સાથે ખુલ્લા મુકવામાં નહીં આવે તેમ સ્થાનિક સુત્રોમાંથી માહિતી મળી રહી છે.

વન્ય જીવન સંરક્ષણ સપ્તાહ અંતર્ગત ગાંધીનગર ગીર ફાઉન્ડેશન ખાતે વન્ય જીવો પ્રત્યે જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.આ સંદર્ભે વન્યજીવન ફોટોગ્રાફી સ્પર્ધા, ઇકો ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ મોડલ, ૩૦ પ્રતિતિ ફોટોગ્રાફરોના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફસ અને લલિત કલા એકેડમીના પેન્ટિંગનું પ્રદર્શન યોજાયું હતું.ઉલ્લેખનીય છે કે, સિંહનું મોત થયા બાદ ગ્રીવા નામની સિંહણ એકલી પડી ગઇ છે તેને પાર્ટનર પ્રોવાઇડ કરવા માટે સિંહની માંગણી કરવામાં આવી હતી પરંતુ તે હજું ફાઇલોમાં જ અટવાઇ રહી છે.


Google NewsGoogle News