Get The App

સ્કૂલે જતી બે તરૂણીની ધોળા દિવસે સરાજાહેર છેડતી અને અડપલાં

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
સ્કૂલે જતી બે તરૂણીની ધોળા દિવસે સરાજાહેર છેડતી અને અડપલાં 1 - image


રાજકોટના લક્ષ્મીનગર અન્ડરબ્રિજ પરની ઘટના

આરોપીની ધરપકડ, રાજકોટમાં મોડીરાત્રે પણ મહિલા એકલી ફરી શકતી હોવાની માન્યતાને ધક્કો લાગ્યો

રાજકોટ: રાજકોટમાં કોઇપણ મહિલા મોડી રાત્રે પણ બિન્ધાસ્ત એકલી ફરી શકતી હોવાની જે માન્યતા છે તેને ધક્કો લાગે તેવી ઘટના ગઇકાલે બની હતી. લક્ષ્મીનગર અન્ડરબ્રિજ પરથી સાઇકલ લઇ સ્કૂલે જતી બે તરૂણીને આરોપી જગદીશ કિરણ પરમારે અટકાવી, છેડતી કર્યા બાદ અડપલા કર્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો.

શહેરના એક વિસ્તારમાં રહેતી બે પાડોશી તરૂણી એક જ સ્કૂલમાં ધો. ૯માં અભ્યાસ કરે છે. ગઇકાલે સાંજે આ બંને તરૂણી એકસ્ટ્રા ક્લાસ ભરવા માટે સાઇકલ લઇને સ્કૂલે જવા રવાના થઇ હતી. બંને તરૂણી લક્ષ્મીનગરના બિપીન રાવત અન્ડરબ્રીજ પાસે પહોંચી ત્યારે ત્યાં ઉભેલા આરોપી જગદીશે બંનેને રોકી હતી. 

તે સાથે જ જગદીશે એક તરૂણીની સાઇકલનું હેન્ડલ પકડી લીધું હતું પરંતુ બળ વાપરી તરૂણીએ હેન્ડલ છોડાવી લઇ ત્યાંથી સાઇકલ ભગાડી મૂકી હતી. તે સાથે જ જગદીશે બીજી તરૂણીનો હાથ પકડી લીધા બાદ પાછળથી તેને બથ ભરી લીધી હતી. એટલું જ નહીં તેના ગાલ ઉપર પોતાનું મોઢુ અડાડવાની કોશિષ કરી હતી. આટલેથી નહીં અટકતા તેના શરીર સાથે અડપલા પણ કર્યા હતા. આમ છતાં તરૂણીએ હિંમત કરી જગદીશને ધક્કો માર્યો હતો. 

જેને કારણે ઉશ્કેરાયેલા જગદીશે તરૂણીના જમણા ગાલ પર વિખોડીયા ભરી લીધા હતા. મહામહેનતે તે તરૂણી તેની ચુંગાલમાંથી છૂટી સ્કૂલે પહોંચ્યા બાદ શિક્ષકોને જાણ કરી હતી. જેમણે તેમના વાલીઓને જાણ કરતા તમામ સ્થળ પર પહોંચ્યા હતા. તે વખતે જગદીશ ત્યાં જ ઉભો હતો. તત્કાળ તેને પકડી એ ડીવીઝન પોલીસને સોંપી દીધા બાદ તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આરોપી જગદીશ મૂળ આણંદના બોરસદના દાળી ગામનો વતની છે. હાલ પંચાયત ચોક પાસે રહી છૂટક મજૂરી કરે છે. 


Google NewsGoogle News