ઘ-૬ પાસે સ્કૂલબેગમાં વિદેશી દારૃની હેરાફેરી કરતા રાજસ્થાનના બે પકડાયા
ગાંધીનગરમાં વધતી દારૃની હેરફેરી વચ્ચે
દારૃની બોટલો સાથે ૧૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને દારૃ મોકલનાર સામે પણ ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે એલસીબીની ટીમ દ્વારા ઘ-૬ સર્કલ પાસેથી સ્કૂલબેગમાં વિદેશી દારૃ ભરીને થલતેજ જઇ રહેલા રાજસ્થાનના બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી દારૃની ૨૮ બોટલ મળી કુલ ૧૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો. જે સંદર્ભે દારૃ મોકલનાર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં દારૃબંધી હોવા છતા પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય
કરીને દારૃના આવ જથ્થાને પકડી રહી છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં
હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે,ઘ-૬ પાસે
બે શખ્સો સ્કૂલબેગમાં વિદેશી દારૃભરીને થલતેજ તરફ જવા માટે વાહનની રાહ જોઇને ઉભા
છે જે બાતમીને પગલે પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને આ બન્ને શખ્સોને ત્યાં ઝડપી
લીધા હતા. જેમની પુછપરછ કરતા ખેરવાડા રાજસ્થાનના અનિલ રૃપલાલ ડામોર અને રણજીત મનજી
મીણા હોવાનું બહાર આવ્યું હતું જેમની પાસે રહેલી બેગમાં તપાસ કરતા વિદેશી દારૃની
૨૮ જેટલી બોટલો મળી આવી હતી. આ દારૃ સંદર્ભે પુછતા ખેરવાડાના રમેશ મીણા નામના
શખ્સે દારૃ ભરી આપ્યો હતો અને થલતેજ પહોંચીને ફોન કરતા કોઇ વ્યક્તિ આવીને દારૃ લઇ
જશે તેમ કહ્યું હતું. હાલ પોલીસે ૧૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને દારૃ
આપનાર રમેશ મીણાની પણ શોધખોળ શરૃ કરી છે.