ગોંડલમાં અઢી, જેતપુરમાં બે ઈંચ કંડોરણામાં ધીમીધારે એક ઈંચ વરસાદ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
ગોંડલમાં અઢી, જેતપુરમાં બે ઈંચ કંડોરણામાં ધીમીધારે એક ઈંચ વરસાદ 1 - image


જેતપુરના વાળા ડુંગરા પાસેનો છાપરવાડી-ર ડેમ ઓવરફલો

જેતપુરગોંડલમાં મેળાના મેદાનમાં પાણી ભરાઈ જતાં રાઈડસ બંધવરસાદથી કૃષિ પાકોને મોટો ફાયદો થવાની ખેડૂતોને આશો

રાજકોટ :  શનિવારની મોડી રાતથી વરસાદ શરૃ થતા જિલ્લાના ગોંડલમાં અઢી, જેતપુરમાં બે, જામકંડોરણામાં ધીમીધારે એક ઈંચ વરસાદ વરસી જતા કૃષિ પાકોને અમિસિંચન થતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. જેતપુરના વાળા ડુંગરા નજીક આવેલા છાપરવાડી-ર ડેમ છલકાતા હર્ષની લાગણી ફેલાઈ છે. આ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો. વરસાદના કારણે ગોંડલમાં મેળાને વિક્ષેપ નડયો હતો.

ગોંડલ માં ગત રાત થી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.અને છેલ્લા ૨૪ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.વરસાદ ને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા.સંગ્રામસિંહ હાઈસ્કૂલનુ મેદાન પાણી પાણી થતા મેદાનમાં યોજાયેલ લોકમેળા નાં સ્ટોલ લથબથ બન્યા હતા.અલબત્ત વરસાદ ને કારણે મેળો ખાલીખમ્મ હતો. રાઇડ્સ ચાલુનાં હોય અને સતત વરસાદ હોય  મેળા નાં ધંધાર્થીઓ માટે આજે સાતમ ફેઇલ ગઈ હતી.

જેતપુર ગઈકાલે રાતથી મેઘરાજાની સવારી આવી પહોંચતાં બે ઈંચ પાણી પડી ગયું હતું.  જીમખાના મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો વરસાદમાં ધોવાઈ ગયો હતો. વરસાદને કારણે મેળામાં ઠેર-ઠેર પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત મોટી રાઈડસ પણ હજુ ચાલુ ન થતાં વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રથમ દિવસે ખૂબ જ ઓછા લોકોએ મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાઈડ્સ વિનાના મેળામાં વરસાદને લીધે ધંધો ઠપ થઈ જતાં વરસાદ વિરામ લે અને મેળાના દિવસો વધારવામાં આવે એવી માગ કરવામા આવી રહી છે.

જેતપુર તાલુકાના ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, મેવાસા, હરીપર સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતા થયાં હતા. આ વખતે પડેલી ભારે ગરમી અને ઉકળાટ બફારા વચ્ચે પવન સાથે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જેતપુરના વાળા ડુંગરા પાસેનો છાપરવાડી-૨ ડેમ ઓવરફલા થયો છે.

જેતપુર તાલુકાના મેવાસા, કેરાળી, જાબુંડી, લુણાગરા, રબારીકા, જેપુર, નાના ભાદરા મોટા ભાદરા તેમજ મોટા ભાદરા જેવા આઠ ગામોના ખેડૂતોની ૩૬૫૦ હેકટર ખેતીની જમીનના સિંચાઈ માટે ઇસ  ં છાપરવાડી નદી પર છાપરવાડી-૨ ડેમ બનાવવામાં આવ્યો હતો,આ ડેમની પાણી સંગ્રહ શક્તિ ૫૮૫ એમસીએફટી ફૂટ છે જે ડેમ ગત વર્ષ તો ચોમાસામાં પણ તળિયા ઝાટક જ રહ્યો હતો જેથી સરકારે ડેમમાં કાંપ કઢાવતા ડેમની પાણીની સંગ્રહ શક્તિ વધી હતી જેમાં ચાલુ ચોમાસએ સારા વરસાદને કારણે રહેલ ડેમમાં સારી એવી જળરાશી એકત્રીત થઈ ગઈ હતી તેમાં છેલ્લા બે દિવસથી ડેમના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદથી ડેમ આજે સવારે ઓવરફ્લો થઈ જતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો. હજુ તો મહિના પૂર્વે જે ડેમના પટમાં વાહન વ્યવહાર ચાલતો હતો તે ડેમ ઓવરફ્લો થઈ જતા ડેમના પાણીને સિંચાઈ માટેના લગતના ગામોના ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ હતી.

જામકંડોરણામાં ગત રાત્રીના ધીમીધારે વરસાદ શરૃ થયો હતો. જે જે સતત ધીમીધારે ઝરમર વરસાદ ચાલુ છે. ગતરાત્રીથી આજે સાંજ સુધીમાં જામકંડોરણામાં ર૪ મી.મી. (એક ઈંચ) વરસાદ પડયો હતો. આ વરસાદથી ખેતીના પાકોને ફાયદો થશે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે હજુ પણ વરસાદી માહોલ છવાયેલો છે અને ધીમીધારે ઝરમર વરસાદ ચાલુ છે.

rajkotrain

Google NewsGoogle News