વઘાસીયા ગેરકાયદે ટોલનાકા પ્રકરણમાં 25 દિવસ બાદ બે આરોપી ઝડપાયા
- મુખ્ય આરોપી સહિત ત્રણ હજુ ફરાર
- વઘાસીયાના રવિરાજસિંહ અને હરવિજયસિંહની વિધિતવ ધરપકડ
મોરબી : વાંકાનેરના વઘાસીયા પાસે ગેરકાયદેસર ટોલનાકું ધમધમતું હોય જે બનાવનો પર્દાફાશ થયા બાદ તંત્ર દોડતું થયું હતું. પોલીસે જાતે ફરિયાદી બનીને ફરિયાદ નોંધી હતી. જે ફરિયાદ નોંધાયાના ૨૫ દિવસ વીત્યા બાદ આખરે પોલીસ બે આરોપીને પકડી શકી છે, તો હજુ પણ મુખ્ય આરોપી સહિતના ત્રણ ઈસમો ફરાર હોય. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ વ્હાઈટ હાઉસ સિરામિક ફેકટરીના ગ્રાઉન્ડમાંથી વાહનો પસાર કરાવી ટોલનાકું બાયપાસ કરાવી ગેરકાયદે ટોલનાકું ચલાવવામાં આવતું હતું. જેને પગલે કલેકટર, એસપીએ બનાવની ગંભીરતા પારખીને તુરંત કમિટીની રચના કરી તપાસ સોપી હતી. તો વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે ગત તા.૪-૧૨ના રોજ આરોપીઓ અમરશીભાઈ જેરામભાઈ પટેલ (રહે. વ્હાઈટ હાઉસ સિરામિક વઘાસીયા તા. વાંકાનેર) તેમજ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે ચારેય વઘાસીયા તા. વાંકાનેર અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદ નોંધાયાને ઘણા દિવસો વીત્યા બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી ના હતી અને દરમિયાન ચાર આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. ત્યારે ફરિયાદ નોંધાયાને ૨૫ દિવસ વીત્યા બાદ આખરે પોલીસ ટીમને બે આરોપીને ઝડપી લીધા છે. પોલીસ ટીમે આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલા એમ બે આરોપીને ઝડપી લીધા છે. તો હજુ પણ મુખ્ય આરોપી સહિતના ત્રણ આરોપીઓ ફરાર છે. તે આરોપીઓ ક્યારે ઝડપાશે તેવા સવાલો ઉપસ્થિત થયા છે
ગેરકાયદે ટોલનાકા પ્રકરણમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. જે પૈકી આરોપી રવિરાજ સિંહ ઝાલા આર્મીમેન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે પોલીસે એ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.