ગોહિલવાડમાં આજે તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરાશે
- શ્રધ્ધાળુઓની બહોળી ઉપસ્થિતીમાં લગ્નગીત ફટાણાની રમઝટ બોલાવાશે
- ચોમેર મહાપૂજન, ગોરણીપુજા, ઠાકોરજીનો વરઘોડો, સમુહ મહાપ્રસાદ,લાણી વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવતીકાલ તા.૧૨-૧૧-૨૦૨૪ ને મંગળવારના રોજ રૂડા તુલસીવિવાહના ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દિવાળી કરતા પણ અનેકગણુ મહાત્મ્ય ધરાવતા તુલસી વિવાહના પર્વે ચોમેર દિપદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરીને ભાવિકો પુણ્યનુ ભાથુ બાંધશે. નવા વર્ષના શુભારંભે આવતા સૌથી મોટા ધર્મોત્સવ દેવ દિવાળીના મહિમાવંતા મહાપર્વની કાર્તિકી સ્નાનથી પુર્ણાહુતિ થશે. દેવ દિવાળી સાથે દિપાવલી મહોત્સવનું સમાપન થશે. આ અવસરે ચોમેર આતશબાજી પણ કરાશે.દેવદિવાળી પર્વે ચોતરફ તુલસીવિવાહ ઉજવાશે. જેમાં શહેરના ડાયમંડ ચોક મિત્રમંડળ દ્વારા આયોજિત તુલસી વિવાહ અંતગર્ત આવતીકાલ તા.૧૨ ને મંગળવારે બપોરે ૩-૩૦ કલાકે બહેનો માટે પૂજાવિધિ રાખેલ છે. બ૫ોરે ૪ કલાકે શહેરના એરપોર્ટ રોડ પરના માનસદર્શન ૩ માનસનાથ મહાદેવના મંદિરેથી લાલજી મહારાજનો વરઘોડો નિકળશે. જે ડાયમંડ ચોક ખાતે પધારશે. જયા સાંજે ૭-૩૦ કલાકે હસ્તમેળાપ થશે.લગ્નવિધિ દરમિયાન લોકગાયિકા રાજેશ્રીબેન પરમાર અને તેમની ટીમ લગ્નગીતો અને ફટાણાની રમઝટ બોલાવશે. આ સાથે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા માતાજીઓની ઝાંખીના દર્શન થશે.જયારે રિધ્ધિસિધ્ધિ મિત્રમંડળના ઉપક્રમે શહેરના કાળીયાબીડના તુલસીચોકમાં તુલસીવૃંદાના વિવાહ ઉજવાશે. આ અવસરે આવતીકાલે મંગળવારે સવારે ૯-૩૦ કલાકે મંડપ મુર્હૂત થશે. બપોરે ૨-૩૦ કલાકે બહેનો માટે પૂજનવિધિ થશે. સાંજે ૭-૩૦ કલાકે જાનનું આગમન થશે.રાત્રે ૮-૩૧કલાકે હસ્તમેળા૫ થશે.લગ્નવિધિ બાદ શુભમ કલાવૃંદ દ્વારા લગ્નગીતો રજુ કરાશે. શહેરના સંસ્કાર મંડળ નજીક આવેલા ખાંડિયા કુવા ખોડીયાર માતાજીના મંદિરે સોમવારે મંડપમુર્હૂતવિધિ કરાઈ હતી. આવતીકાલ તા.૧૨મીએ રાત્રે ૭-૧૫ કલાકે જાનનું આગમન થશે રાત્રે ૧૦ કલાકે હસ્તમેળાપ થશે.સાંજે મહાપ્રસાદ વિતરણ કરાશે. શહેરના ભરતનગરમાં ફ્રેન્ડસ ગૃપ દ્વારા સોમવારે મંડપ મુુર્હૂત કરાયુ હતુ. આવતીકાલે મંગળવારે બપોરે ૩ કલાકે બહેનો માટે પૂજાવિધિ થશે. સાંજે ૭ કલાકે ભગવાન લાલજી મહારાજનો વરઘોડો નિકળશે. રાત્રીના ૮ કલાકે શ્રીનાથજી સોસાયટી રોડ, મઢુલી પાસે હસ્તમેળાપ થશે. બજરંગદાસબાપા (મઢુલી) બાપા સીતારામ ગૃપ દ્વારા તખ્તેશ્વર મંદિરની બજરંગદાસબાપાની તળેટી ખાતેના મઢુલી આશ્રમમાં સોમવારે સવારે મંડપ મુર્હૂત કરાયુ હતુ. જયારે આવતીકાલ મંગળવારે સાંજે ૬-૧૫ કલાકે જાનનુ આગમન થશે. બગદાણામાં બહુચરાજી નવરાત્રી મિત્રમંડળ તથા ગામસમસ્ત દ્વારા આવતીકાલે મંગળવારે તુલસી વિવાહ ઉજવાશે. બગદાણાના ચારે પંચાયત કચેરીની સામેગામના બંને મંદિરના ઠાકર મહારાજ વૃંદામાતાને પરણવા પધારશે. આ ઉપરાંત ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં તેમજ જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોતરફ તુલસીવિવાહ રંગેચંગે ઉજવાશે.
શેરડીના સાંઠાના વેચાણમાં આજે ઉછાળો નોંધાશે
તુલસી વિવાહના અવસરે ઠાકોરજીને શેરડીના સાંઠા ધરવામાં આવશે. આ સાંઠાથી લગ્નનો માંડવો ઉભો કરવામાં આવશે. ભગવાનને લીલો મંડપ ઉભો કરાતો હોવાથી શેરડીનો માંડવો જ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવતો હોય છે. શેરડીમાં ગળપણ આવતુ હોવાથી તુલસીવિવાહ કરવાથી દામ્પત્ય જીવનમાં ખુબ મીઠાશ આવતી હોવાની પૌરાણિક કાળથી લોકોમાં માન્યતા છે. આથી આજે દેવદિવાળીના પર્વે ઠેરઠેર તુલસીવિવાહમાં ભાવભેર ધરવા માટે શેરડીના સાંઠાની ધૂમ ખરીદી કરવામાં આવે છે.
ચાતુર્માસની પુર્ણાહુતિ
ગત દિવાસો યાને એક સો માસનો વાસોથી પ્રારંભાયેલા જપ, તપ અને ભકિત કરીને મોક્ષપ્રાપ્તિ કરવાના મહત્વપુર્ણ મહાપર્વ ચાતુર્માસની આવતીકાલ મંગળવારે દેવદિવાળીએ તુલસીવિવાહની ઉજવણી સાથે પુર્ણાહુતિ થશે. આ સાથે ચોમેર ફરી એક વખત શુભ અને માંગલિક કાર્યોનો ધમધમાટ વધવા લાગશે. ચાતુર્માસ સાથે તહેવારોની હેલી સર્જાઈ હતી. હિન્દુ ચાતુર્માસ દરમિયાન ગૌરીવ્રત, ગુરૂપુર્ણિમા, હિંડોળા પર્વ, જયાપાર્વતી વ્રત, એવરત જીવરત, શ્રાવણ માસ, પવિત્રા એકાદશી, રક્ષાબંધન, ગણેશ ઉત્સવ, શારદીય નવરાત્રિ, શરદપૂર્ણિમા, દિવાળી સહિતના એકસો જેટલા નાના મોટા તહેવારોની હેલી સર્જાઈ હતી.સૌરાષ્ટ્રમાં કારતક સુદ અગિયારસે દેવદિવાળી ઉજવાય છે જયારે અન્યત્ર કારતક સુદ પૂનમે દેવદિવાળી ઉજવાય છે.