ક્ષય વિભાગના કર્મીઓએ અનિશ્ચિત મુદતની હડતાલના મંડાણ શરૂ કર્યા
- પડતર માંગણીઓ અંગે કલેકટરને આવેદન પાઠવી
- ગુજરાત આર.એન.ટી.સી.પી.કરારબધ્ધ કર્મચારી સંઘના નેજા તળે વિવિધ વ્યુહરચના સાથે હડતાલને ઉગ્ર બનાવાશે
ગુજરાત રાજયના ક્ષય વિભાગના કરારબધ્ધ કર્મચારી સંઘ દ્વારા છેલ્લા પાંચેક વર્ષ કરતા વધુ સમયથી સરકારના સક્ષમ અધિકારીઓ અને પદાધિકારીઓને લેખિત તથા મૌખિક રજુઆતો કરી નિયમાનુસાર સંતોષવાલાયક તમામ માંગણીઓ અંગે હકારાત્મક અભિગમ દાખવવા માટે વિનંતી કરાઈ રહી હોય તેમ છતાં તંત્રવાહકો દ્વારા આજદિન સુધી સતત આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તે દરમિયાન વચ્ચેના સમયગાળામાં પેનડાઉન તેમજ દર્દીની સેવા સિવાયની તમામ કામગીરીઓ સ્થગિત કરવાની સાથે હડતાલ કરાઈ રહી છે. પરંતુ નિષ્ફળ સરકારી નીતિઓના કારણે માત્ર આશ્વાસન મળ્યા છે. અને ક્ષયવિરોધી સતત લડત આપી રહેલા કર્મીઓને માત્ર લોલીપોપ જ આપવામાં આવી રહી છે.ત્યારે ફરી એક વખત કર્મચારીઓની વર્ષોજુની પડતર માંગણીઓને લઈને સંઘના આગેવાનો અને હોદેદારો દ્વારા તાજેતરમાં રજુઆત કરી શાંતિપ્રિય રીતે સરકારની આંદોલન નિવારણ સમિતિ સહિત તમામને પત્રથી જાણ કરી સંભવીત હડતાલના અંતિમ શસ્ત્રથી અવગત કરવામાં આવ્યા હતા અને સત્વરે પ્રાણપ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જણાવાયુ હતુ. પરંતુ સરકારમાં રહેલા આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીના અણધડ આયોજનો, કાર્યકુશળતાનો અભાવ એટલુ જ નહિ જાહેર આરોગ્ય તેમજ જાહેર હિતની પરવા વગર વેઠીયા પ્રથાનું માનસ ધરાવી ક્ષય વિભાગના કરારી કર્મીઓની હડતાલની પૂર્વસુચનાને અવગણી આંદોલનની પરિસ્થિતીનું નિર્માણ કરી રહી છે અને જાહેર આરોગ્ય સામે જોખમ ઉભુ કરવામાં આવેલ છે જે વેદનાજનક રહ્યુ છે તેમ જણાવી સંઘના પ્રમુખે આક્રોશભેર વધુમાં ઉમેર્યુ હતુ કે, વિવિધ પ્રકારની વ્યુહરચના સાથે હડતાલને ઉગ્ર બનાવાશે અને કચેરી, ઘરો સહિતના સ્થળોએ ઘેરાવના આયોજનો પણ થશે.