Get The App

અવાણિયા નજીક ટ્રિપલ અકસ્માત, યુવાનનું મોત

Updated: Nov 20th, 2022


Google NewsGoogle News
અવાણિયા નજીક ટ્રિપલ અકસ્માત, યુવાનનું મોત 1 - image


- ભાવનગરના 3 યુવાન ભુતેશ્વર મેલડી માતાએ દર્શન કરવા ગયા હતા

- 2 બાઈક અને 1 એક્ટીવામાં સવાર 5 વ્યક્તિને ઈજા

ભાવનગર : ભાવનગરના ત્રણ યુવાને વહેલી સવારે ભુતેશ્વર મેલડી માતાજીના મંદિરે દર્શન કરીને પરત આવી રહ્યા હતા. ત્યારે અવાણિયા નજીક બે બાઈક અને એક્ટીવા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા સરદારનગરના યુવાનનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણેય વાહનમાં સવાર અન્ય પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરદારનગર, મફતનગર, લંબે હનુમાન પાસે રહેતા અજયભાઈ સુનિલભાઈ લાઠિયા (ઉ.વ.૨૨), સંદિપભાઈ હિંમતભાઈ ચૌહાણ (રહે, સુભાષનગર) અને અન્ય એક મળી ત્રણ મિત્રો આજે રવિવારે વહેલી સવારના સુમારે અજયભાઈની ડ્રીમ યુગા બાઈક નં.જીજે.૦૪.સીડી.૭૩૩૪ લઈને ભુતેશ્વર ગામે આવેલ સુપ્રસિધ્ધ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. દરમિયાનમાં સવારે ૬-૧૫ કલાકના અરસામાં ત્રણેય મિત્ર અવાણિયા ગામના પાટિયા પાસે પહોંચતા પીપળિયા પુલ તરફથી ડબલ સવારીમાં આવી રહેલ બાઈક નં.જીજે.૦૪.ડીએસ.૧૮૩૫ના ચાલકે અકસ્માત સર્જતા અજયભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બન્ને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો એ સમયે પાછળથી આવી રહેલ એક્ટીવા નં.જીજે.૦૪.ડીઈ.૭૬૨૪ પણ બાઈક સાથે અથડાતા અજયભાઈના બે મિત્ર, અકસ્માત સર્જનાર બાઈકમાં સવાર બે શખ્સ અને એક્ટીવાના ચાલક દિવ્યાંગભાઈ રમેશભાઈ ચૌહાણ મળી પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.

ઘટના સંદર્ભે મૃતકના નાનાભાઈ સુનિલભાઈ પ્રવીણભાઈ લાઠિયા (ઉ.વ.૧૯, રહે, લંબે હનુમાન, મફતનગર, સુભાષનગર)એ બાઈક નં.જીજે.૦૪.ડીએસ.૧૮૩૫ના ચાલક સામે ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં ટ્રિપલ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર દોડી જઈ જરૂરી પંચરોજ કામ કરી મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો.


Google NewsGoogle News