Get The App

છોટા હાથી, રિક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત : યુવાનનું મોત, પાંચ ઘવાયા

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
છોટા હાથી, રિક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત : યુવાનનું મોત, પાંચ ઘવાયા 1 - image


જામનગરનાં દરેડ વિસ્તારનો બનાવ

અકસ્માત સર્જનાર વાહન ચાલક ફરાર થઈ જતા પોલીસ દ્વારા શોધખોળ ઃ શહેરભરમાં અકસ્માતનો વીડિયો વાયરલ

જામનગર : જામનગર નજીક દરેડ વિસ્તારમાં આજે સવારે એક રીક્ષા ને બોલેરો ના ચાલકે ટક્કર મારી દેતાં રિક્ષા ફંગોળાઈને બાઈક સાથે અથડાઈ હતી, અને ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકના ચાલક યુવાનનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું હતું, જ્યારે રિક્ષામાં બેઠેલા પાંચ મુસાફરોને નાની મોટી ઈજા થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જે અકસ્માતના બનાવનો સીસીટીવી ફૂટેજ સાથે નો વિડીયો વાયરલ થઈ રહ્યા છે.

 જામનગરમાં દરેડ ચોકડી પાસે  પૂરપાટ ઝડપે આવી રહેલા એક બોલેરો ના ચાલકે સૌપ્રથમ રિક્ષા ને ટક્કર મારી દીધી હતી, જેથી રીક્ષા ફંગોળાઈ હતી, અને માર્ગ પર પડતી મારી હતી જેમાં રિક્ષા નું પડીકું વળી ગયું હતું. જે રીક્ષા ની સાથે જ એક બાઈક અથડાઈ પડયો હતું, અને ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં બાઈક ચાલક જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા અને એક બ્રાસપાટના કારખાનામાં કામ કરતા મીત હરસુખભાઇ રંગાણી નામના ૨૦ વર્ષના યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પોતાના ઘેરથી કારખાને જઈ રહ્યો હતો, જે દરમિયાન તેને આ ગમખ્વાર અકસ્માત નડયો હતો.

  આ ઉપરાંત રીક્ષામાં બેઠેલા તેના ચાલક સહિતના પાંચ મુસાફરો પણ ઘાયલ થયા હતા અને અકસ્માતના બનાવ પછી તેઓએ ચીસા ચીસ કરી મૂકી હતી.

 જ્યાંથી પસાર થનારા રાહદારીઓ વગેરે એકત્ર થઈ ગયા હતા, અને ૧૦૮ ની ટીમને જાણ કરાતાં ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તમામ ઇજાગ્રસ્તો ને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા હતા. જયાં તમામને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ હતી.

 આ અકસ્માતના બનાવ બાદ પંચકોસી બી. ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અકસ્માત સર્જી ને ભાગી છુટેલા વાહન ના ચાલકની શોધખોળ હાથ ધરી છે.  ઉપરોક્ત અકસ્માતના બનાવ ના સીસીટીવી ફૂટેજ સાથે નો વિડીયો શહેરભરમાં વાયરલ થયો હતો.


Google NewsGoogle News