જેતપુરમાં ટ્રેન આવી જતાં પુલ ઉપરથી ઝંપલાવ્યું, એકનું મોત, બીજો ઘાયલ
નવાગઢ રેલ્વે સ્ટેશન નજીકની ઘટનાઃ ઇજાગ્રસ્ત જૂનાગઢ ખસેડાયો
જીવ બચાવવા પુલ ઉપરથી કૂદકો માર્યો કે ટ્રેનની હડફેટે ફંગોળાઇ ગયા? તે અંગે પોલીસ તપાસ, મૃતદેહ પીએમ માટે મોકલાયો
જેતપુર: જેતપુરમાં કારખાનામાં કામ કરતા બે પરપ્રાંતીય યુવાનોએ ટ્રેન આવતા પોતાનો જીવ બચાવવા પુલ ઉપરથી નીચે કુદતા એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જયારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા જુનાગઢ રીફર કરાયો હતો.
શહેરના ભાદરના પુલ પરથી આજ રોજ વહેલી સવારે પાત્રીસથી ચાલીસ વર્ષની ઉંમરના બે યુવાનો રેલ્વે ટ્રેક પાસેથી પસાર થતા હોય દરમ્યાન ટ્રેઇન આવી જતા બન્ને યુવાનોએ પોતાનો જીવ બચાવવા પુલ ઉપરથી નીચે કુદતા એક યુવાનનું મોત નિપજેલ જયારે અન્ય યુવાનને ગંભીર ઇજા હોય બેભાન હાલતમાં સારવાર અર્થે જુનાગઢ રીફર કરાયો છે.
પ્રાથમીક તપાસમાં બન્ને યુવાનો સામા કાંઠા વિસ્તારમાં આવેલ અમરપૂજા નામના કારખાનામાં કામ કરતા,ભવારામ ચનરામ માજીરામાં ગામ, કિત્પાલા રાજસ્થાન તેમજ દેવારામ મોહનરામ માજીરાણા કિત્પાલા,રાજસ્થાન ગઈકાલના બુધવારના રોજ રજા હોય જેથી બંને ફરવા માટે નીકળ્યા હતા. પરંતુ મોડી રાત સુધી કારખાને પહોંચ્યા નહોતા. જેથી સાથી મિત્રોએ શોધખોળ આદરી હતી. આ બન્ને યુવાનોએ પોતાનો જીવ બચાવવા કુદકો માર્યો હશે કે ટ્રેઇનની ઝપટે ચડી ફંગોળાઇને નીચે પટકાયા હશે તે વિગત ઘાયલ યુવાન ભાનમાં આવ્યા બાદ બહાર આવશે. મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરી છે.