સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવ દિવાળીના પર્વે હાટડી ઉત્સવની પરંપરા

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવ દિવાળીના પર્વે હાટડી ઉત્સવની પરંપરા 1 - image


- દેવ પ્રબોધિની એકાદશીને અનુલક્ષીને હરિભકતોમાં પ્રવર્તતો ભારે ઉત્સાહ

- કચ્છ ભુજના કથરોટ ગામેથી શરૂ થયેલી હાટડી ઉત્સવની વિશિષ્ઠ પરંપરા આજની તારીખે પણ યથાવત

ભાવનગર : પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૨૩ નવેમ્બરના રોજ દેવ પ્રબોધિની એકાદશીના મહિમાવંતા મહાપર્વે ગોહિલવાડમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં પરંપરાગત રીતે હાટડી ઉત્સવની ઉજવણી કરાશે. આજથી ૨૦૫ થી વધુ વર્ષ પુર્વે સ્વામિનારાયણ ભગવાનના સમયગાળામાં કચ્છભુજના કથરોટ ગામમાંથી હાટડી ઉત્સવની ઝાંખીની  પરંપરા શરૂ કરાઈ હતી. જે આજની તારીખે પણ યથાવત રહેલ છે. 

ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં દેવ-દિવાળીના મહાપર્વે આગામી તા.૨૩-૧૧ ને ગુરૂવારે  હાટડી ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. દેવ પ્રબોધિની એકાદશીએ આ ઉત્સવની અનોખી ઉજવણીની પરંપરા આજની તારીખે પણ યથાવત રહેલ છે. એટલુ જ નહિ વર્ષ દરમિયાન માત્ર એક જ વખત મંદિરોમાં હાટડી ઉત્સવની ઝાંખી થતી હોય તેનું સમસ્ત હરિભકતોમાં અનન્ય મહાત્મ્ય રહેલુ છે.આ ઉત્સવ દરમિયાન ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકોમાં આવેલા આ સંપ્રદાયના મંદિરોમાં મનોહર સુશોભન અને શણગાર કરાશે અને દિવસ દરમિયાન હરિભકતો દ્વારા ભાવ અને ભકિતમય માહોલમાં હાટડી ધરવામાં આવશે. હાટડી ઉત્સવની પરંપરા સાથે કથરોટ ગામના શાકભાજીના વિક્રેતા ભગતની કથા સંકળાયેલી છે ત્યારથી મંદિરોમાં પ્રતિ વર્ષે આ ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવ ઉજવવાનું એક મુખ્ય કારણ એ પણ છે કે, ચાતુર્માસ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક ભકતોએ અમુક શાકભાજી ન ખાવાના નિયમો લીધા હોય તો તેઓ હાટડી ભરીને બેસેલા શ્રીજી મહારાજ સન્મુખ હાટડીમાંથી શાક ખરીદી તેમના નિયમો છુટા કરતા હોય છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે, કારતક સુદ અગીયારશે દેવ પ્રબોધિની એકાદશી પર્વે ભગવાન સ્વામિનારાયણના પિતા ધર્મદેવનો જન્મદિવસ પણ છે તેથી તેનું વિશેષ મહત્વ રહેલુ છે. ભાવનગરમાં લોખંડબજાર સહિત શહેર અને જિલ્લાના શ્રધ્ધેય સ્વામિનારાયણ મંદિરોમાં આગામી તા.૨૩ નવેમ્બરે સવારે અને બપોરે નીયત ક્રમ મુજબ હાટડી ઉત્સવના દર્શન થશે. આ ધર્મોત્સવને લઈને સંપ્રદાયના હરિભકતોમાં ભારે હર્ષોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે. 


Google NewsGoogle News