Get The App

હિટ એન્ડ રનના કેસમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ, તમામ જેલ ભેગા

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News


હિટ એન્ડ રનના કેસમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ, તમામ જેલ ભેગા 1 - image

રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત

ત્રિશુલ ચોકમાં અકસ્માત સર્જનાર આરોપીથી ૧પ૦ ફૂટ રીંગ રોડ પરની હોટલમાં અકસ્માત થતાં સ્હેજમાં અટકયો હતો

રાજકોટ :  રાજકોટના સહકાર રોડ પરના ત્રિશુલ ચોકમાં ગત શુક્રવારે સવારે ડ્રાયવિંગ આવડતું ન હોવા છતાં કાર લઈ નીકળેલા અને અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા શખ્સે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં  એક બાઈકને હડફેટે લીધા બાદ એક પ્રૌઢ અને એક છાત્રાને ઠોકરે ચડાવ્યા હતા. જેમાંથી પરિવારના મોભી એવા પ્રૌઢનું મૃત્યુ નિપજયું હતું.

આ અકસ્માતને પગલે ઉહાપોહ મચી જતાં ખુદ ડીસીપી સ્થળ પર દોડી ગયા હતા. આ કિસ્સામાં ભક્તિનગર પોલીસે ચાલક સહિતનાઓ વિરૃધ્ધ આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ સાપરાધ મનુષ્ય વધ જેવી આકરી કલમો હેઠળ ગુનો દાખલ કર્યા બાદ ચાલક ઉપરાંત ઉતરોતર એકબીજાને કાર આપનાર કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

રાજકોટના ઈતિહાસમાં કોઈ પ્રાણઘાતક અકસ્માત કે હિટ એન્ડ રનના કેસમાં એક સાથે પાંચ આરોપીઓની ધરપકડનો આ પહેલો કિસ્સો છે. પી.આઈ. એમ.એમ. સરવૈયા અને રાઈટર નિલેશ મકવાણાએ અકસ્માત સર્જનાર કાર ચાલક સન્ની મહેન્દ્ર દાઈમા (ઉ.વ.રર, રહે. ઈન્દિરાનગર, દેવપરા)ની ધરપકડ કરી હતી.  તેની પુછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું કે કારનો માલીક ખરેખર પાણીપુરીની લારી ધરાવતો અશોક નાથુરામ કુશવાહ (ઉ.વ.૩૬, રહે. લલુડી વોંકળી) છે. તેની પાસેથી પાણીપુરીનો ધંધોે કરતાં તેના ભત્રીજા અંકિત નારાયણ કુશવાહ (ઉ.વ.ર૩) કાર લઈ ગયો હતો.

અકસ્માતના ચાર દિવસ પહેલાં અંકિત પાસેથી તેનો મિત્ર  ડુંગળી બટેટાનો વેપારી વિશાલ અતુલ ખખ્ખર (રહે. સુર્યોદય સોસાયટી શેરી નં.૪, ૮૦ ફૂટ રોડ) લગ્નમાં જરૃર છે તેમ કહી કાર લઈ ગયો હતો. વિશાલ પાસેથી ભરત રમેશ ડાભી (રહે. દેવપરા) કાર લઈ ગયો હતો.

ત્યારબાદ ભરત અને તેનો મિત્ર સન્ની કારમાં ફર્યા હતા. અકસ્માતના આગલા દિવસે રાત્રે બંને ૧પ૦ ફૂટ રીંગ રોડ પરની હોટલમાં ગયા હતા. જયાં ભરત, સન્નીને કાર આપી હોટલમાં જતો રહ્યો હતો. સન્નીને ડ્રાઈવીંગ આવડતું ન હતું. આ સ્થિતિમાં તેણે યુ ટયુબ ઉપર બલેનો કાર કઈ રીતે ચલાવવી, તેના ગિયર કઈ રીતે બદલાવવા તેનો વીડીયો જોયો હતો.  ત્યારબાદ કાર સ્ટાર્ટ કરી હતી. તે વખતે  હોટલના પાર્કીંગમાં જ અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો.

જેથી ગભરાઈ ગયેલો સન્ની હોટલના મેનેજરને બોલાવી લાવ્યો હતો. પરંતુ હોટલના મેનેજરે બહુ રસ લીધો ન હતો. આખરે તે પોતે જ ડ્રાયવીંગ કરી કાર લઈ નીકળી ગયો હતો. થોડે દૂર પહોંચ્યા બાદ કાર બંધ પડી જતાં તેણે બે મિત્રોને કોલ કર્યા હતા. જે આવી જતાં ત્રણેય આખી રાત કારમાં રખડયા હતા. વહેલી સવારે બંને મિત્રો સન્નીને ત્રિશુલ ચોક નજીક કાર સોંપી જતા રહ્યા હતા. તે સાથે જ સન્નીના હાથમાં સ્ટીયરીંગ આવી ગયું હતું. આગળ જતાં સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા તેણે અકસ્માત સર્જયો હતો.

આ રીતે સન્ની ઉપરાંત કાર માલીક અશોક, તેના ભત્રીજા અંકિત, વિશાલ અને ભરત સહિત કુલ પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

પાંચ આરોપીઓમાંથી માત્ર બે પાસે જ ડ્રાયવીંગ લાયસન્સ છે

ભક્તિનગર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ત્રિશુલ ચોકના હિટ એન્ડ રનના કેસમાં કાર માલીક અશોક અને તેના ભત્રીજા અંકિત પાસે જ ડ્રાયવીંગ લાયસન્સ છે. બાકીના ત્રણેય આરોપીઓ પાસે ડ્રાયવીંગ લાયસન્સ નથી. અકસ્માત સર્જનાર આરોપી સન્નીએ યુ ટયુબમાં કઈ રીતે બલેનો કાર ચલાવવી તેના વીડીયો જોયા હતા. આ માટે તેણે તેના મિત્રના મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. જે મોબાઈલ કબ્જે લઈ એફએસએલમાં મોકલવા માટે તજવીજ શરૃ કરાઈ છે.

rajkotjail

Google NewsGoogle News