Get The App

આજે કવિ કલાપી જન્મતિથિઃ 26મીએ જન્મ્યા, 26 વર્ષે દેહાંત!

મ્હારી કબર બાંધી અહીં, ત્યાં કોઈને સુવારજો હું જયાં દટાઉ ત્યાં ફૂલોને વેરશો કોઈનહીં

- કલાપી રાજકોટમાં ભણ્યા હતા, ફારસી અને ઉર્દુનો પણ અભ્યાસ કર્યો હતો

Updated: Jan 25th, 2022


Google NewsGoogle News
આજે કવિ કલાપી જન્મતિથિઃ 26મીએ જન્મ્યા, 26 વર્ષે દેહાંત! 1 - image


- શેરડીમાંથી રસ ન નીકળતાં આ પ્રજાવત્સલ રાજવીએ ખેડૂતો પરના કર-વેરા ઘટાડી નાખ્યા હતા અને છપ્પનિયા દુકાળમાં રાહતકાર્યો શરુ કરાવ્યા હતા

રાજકોટ

દેશી રજવાડાંઓ વખતે કેટલાંય રાજવીઓ કલા, સાહિત્યપ્રેમી હતાં. તેમનાં દરબારમાં કવિઓ, નાટયકારો, લેખકોના બહુમાન થતાં હતાં, પરંતુ સૌરાષ્ટ્રમાં આવેલા લાઠી રાજયનાં રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' ખુદ સાહિત્યસર્જક હતાં. કલાપીને ગુજરાતી સાહિત્ય, ગઝલ સાહિત્ય આજે પણ યાદ કરે છેઃ 'જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીં એ આંખની યાદી ઝરે છે આપની.'' 

એમણે પોતાની અલ્પ જિંદગીમાં ગુજરાતી ગદ્ય - પદ્ય અને ગઝલ સાહિત્યનો થોકબંધ રચનાઓ આપી દીધી છે. કલાપીને જાણે કે ૨૬ અંક સાથે તીવ્ર અનુબંધ હોય એમ એમનો જન્મદિન ૨૬મી જાન્યુઆરી, ૧૮૭૪ છે. એ જીવ્યા પણ માત્ર ૨૬ વર્ષ. આ સાહિત્યસમ્રાટ, શુક્ર તારક ૧૦ જૂન, ૧૯૦૦ ના દિવસે માત્ર એક જ દિવસની ટૂંકી બીમારીમાં અસ્ત થઈ ગયો હતો. જાન્યુઆરી માસ સાથે પણ એને અનુબંધ હોય એમ તેઓ ૨૧ જાન્યુઆરી, ૧૮૯૫ ના રાજગાદીએ બેઠા હતાં. 

લાઠીના આ રાજવીમાં પ્રજાવત્સલતા ભારોભાર નીતરતી હતી. તેઓ એક વાર સીમ વગડે ખેડૂતની શેરડીની વાડ જોઈ ત્યાં ગયા હતાં. વાડીએ રહેલી ગ્રામમાતાએ મીઠો મધુરો શેરડીનો રસ કાઢીને પીવડાવ્યો હતો. એમને વધારે રસ પીવાની ઈચ્છા થઈ ત્યારે શેરડીમાં રસ ન નીકળ્યો... આ ઘટનાએ આખું કાવ્ય લખાયું ''ગ્રામમાતા''...! તેમાં કહેવાયું છે કે 'રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ. નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી...' આ ઘટના રાજવી કવિને હચમચાવી ગઈ હતી અને ખેડૂતો પરના કરવેરા, રાજ - ભાગ ઘટાડી નાખ્યા હતાં. યૌવનકાળમાં એમના હાથે એક હરકત થઈ ગઈ હતી. તેમનાં હાથે એક 'માસૂમ' પર પથરો ફેંકાઈ ગયો હતો. આ ઘટના પછી પસ્તાવાનો પાર ન રહ્યો અને એમણે રચના લખીઃ 'તેં પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, છૂટયો તેને અરર, પડી ફાળ હૈયા મહીં તો!' 

કલાપીએ ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ લીધું હતું. એ કાળે રાજકિય ખટપટ અને અન્ય કારણસર પાંચમી અંગ્રેજી પછી શિક્ષણ અટકી પડયું હતું. આમ  ઓછું શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષક રોકીને અંગ્રેજી, સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. ફારસી અને ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો હતો. કલાપીના લગ્ન પણ સોળ વર્ષની વયે ૧લી ડીસેમ્બર, ૧૮૮૯ની સાલમાં કચ્છના રોહા સંસ્થાનના અને કોટડાસાંગાણીના એમ બે કુંવરીઓ જોડે એક દિવસે ખાંડાથી થયાં હતાં. ૧૮ વર્ષની સાવ નાની ફૂટડી વયે કલાપીએ લેખનપ્રવૃત્તિ આરંભી હતી. તેના ફળસ્વરૂપે ગુજરાતી સાહિત્યને જાજરમાન અને હોંઠે ચડી જાય એવાં કાવ્યો મળ્યાં. તેમાં સૌથી મહત્વનું કાવ્ય 'હૃદય ત્રિપુટી' આપણા સાહિત્યનું એક ઉત્તમ પ્રેમકાવ્ય છે. ૧૮૯૨થી એમણે એસટીજીના ટૂંકનામથી કાવ્યો લખ્યાં હતાં અને એમ જ પ્રગટ થયાં હતાં. એમની કવિતા 'ફકીરી હાલ'  પ્રચલિત બની હતી, પરંતુ 'કલાપીનો કેકારવ' એ સંગ્રહ એમની ઉત્તમ ઓળખ બની ગયો છે. આ સંગ્રહ એમના મૃત્યુ બાદ ૧૯૦૩માં કવિ કાન્તે પ્રગટ કર્યો હતો. રાજવી કવિને 'મધુકર' ઉપનામ ધારણ કરવું હતું પરંતુ એનું 'કલાપી' ઉપનામ એમના મિત્ર 'જટિલ'એ ૧૮૯૮માં સૂચવ્યું હતું અને એ નામ રાજવી કવિએ સ્વીકારી લીધું હ તું.

૧૯૦૦ની સાલમાં છપ્પનિયો દુકાળ આવ્યો ત્યારે રાજયમાં રાહતકામો ચાલુ કરાવ્યાં હતાં. રાજવી કવિને રાજ - કાજ દરમિયાન કોઈ અણગમતું કાર્ય હોય તો એ હતું કોઈને સજા કરવાનું! કલાપીને એમની જ ગઝલપંક્તિથી સલામ કરીએ!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને જયાં જયાં ચમન જયાં જયાં ગુલો ત્યાં નિશાની આપની! પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફરઃ ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની!

***

બોલો : વસીશું કયાં જઈ, છોડી તમારા મહેલને? આકાશમાં ના, ના જહાંમાં, ના કબરમાં છે જગા!...

***

રે પંખીડા! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો, શાને આવાં મુજથી ડરીને ખેલ છોડીને ઉડો છો? પાસે જેવી ચરતી હતી ગાય તેવો જ હું છું, ના ના કો'દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

***

હકીમ કે તબીબની તલબ નથી મને!

નક્સની પરવા નથી ઃન ઈશ્કની મને!

***

કપાવી માશૂકે ગરદન હમારી કોઈને હાથે! વળી છે રિશ્વતે દૂર રખાવ્યો મોતને હાથે!


Google NewsGoogle News