આજે પુ.પાંડુરંગ શાસ્ત્રીનો જન્મદિન મનુષ્ય ગૌરવદિન તરીકે ઉજવાશે
- પરસ્પર ભેદરેખા દૂર કરી માનવમાં આત્મગૌરવ વધારવાનું અભિયાન
- મનુષ્ય નિર્માણના હેતુને ચરીતાર્થ કરવા દેશભરમાં સ્વાધ્યાય પરિવારના દોઢ લાખ ભાઈ-બહેનો દ્વારા આયોજિત ૬ દિવસની તીર્થયાત્રાની આજે પૂર્ણાહુતિ થશે
ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ્ ભાગવદ ગીતામાં કર્મયોગનો જે સિદ્ધાંત સમજાવ્યો છે તે ગીતાજીનો સંદેશ ૫૪ દેશોમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા પહોંચાડી યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને નૈતિક મૂલ્યોનું સ્થાપન કરનાર પુ.પાંડુરંગ શાસ્ત્રીનો ૧૦૧મો જન્મદિન આવતીકાલના ૧૯ ઓક્ટોબરનાં મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવાશે. આ પર્વ નિમિત્તે વસુધૈવ કુટુંબકમ્ની ભાવનાને ઘર-ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ થશે.
સ્વાધ્યાય પરિવાર દ્વારા તા.૧૯ ઓક્ટોબરના પુ.પાંડુરંગ શાસ્ત્રીનાં જન્મદિને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવતું રહ્યું છે. મનુષ્યનું ગૌરવ જાળવવાના હેતુને સ્પષ્ટ કરી સ્વાધ્યાય પરિવારનાં સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે આજે વર્ગ, વર્ણ, ભાષા, પ્રાંત, રીતિ-રિવાજ અને ધર્મના નામે ભેદભાવ રચી મનુષ્ય જુદા-જુદા વર્ગમાં વિભાજીત થતો જાય છે. માનવ - માનવ વચ્ચેની ભેદરેખા તોતિંગ દિવાલ જેવી બની રહી છે. ત્યારે સમાજના સામાન્ય માણસનું ગૌરવ જાળવવાનાં પ્રયત્નો વધુ થાય, માણસ બીજા માણસનું ગૌરવભેર સન્માન કરે તે માટે મનુષ્ય ગૌરવ દિન ઉજવણી કરવામાં આવે છે. કોઈ મનુષ્ય દીનદુખિયાં અને લાચાર નથી, પરંતુ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. તેનું આત્મ ગૌરવ જાળવવું એ દરેક માણસની નૈતિક ફરજ છે.
મનુષ્ય એ બીજો કોઈ નહિં મારો દૈવી ભાઈ છે તેવી ભાવના વિકસાવવા સાથે આત્મગૌરવનો દીપ પ્રજ્જવલ્લિત કરવાનું અભિયાન સ્વાધ્યાય પરિવાર દુનિયાભરના દેશોમાં ચાલી રહ્યું છે. આ કાર્યમાં યુવાનોને માધ્યમ બનાવી આત્મસન્માન અને આત્મવિશ્વાસનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. પુ.પાંડુરંગ શાસ્ત્રીનાં વિચારો અને પ્રવૃત્તિ આજના યુવાનો માટે પથદર્શન બની રહ્યા છે. પુ.પાંડુરંગ દાદાના ૧૦૧મા જન્મદિન નિમિત્તે દેશભરમાં સ્વાધ્યાય પરિવારના અંદાજે દોઢ લાખ સ્વયંસેવકો દ્વારા પ્રત્યેક જિલ્લામાં તીર્થયાત્રા યોજવામાં આવી હતી. તેની તા.૧૯ના પૂર્ણાહુતિ થશે.