Get The App

આજે ગોહિલવાડમાં અંજનીપુત્રના પ્રાગટયોત્સવના વધામણા કરાશે

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
આજે ગોહિલવાડમાં અંજનીપુત્રના પ્રાગટયોત્સવના વધામણા કરાશે 1 - image


- ધર્મસ્થાનકોમાં સવારથી જ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડશે

- ઠેરઠેર હવન, મહાપૂજન અર્ચન, ધ્વજારોહણ, શોભાયાત્રા, મહાપ્રસાદ અને રામદરબાર સંકિર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન

ભાવનગર : પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલ તા.૨૩ એપ્રિલે ગોહિલવાડમાં આવેલા હનુમાનજી મહારાજના મંદિરોમાં હનુમાન જયંતિની પરંપરાગત રીતે આસ્થાપૂર્વક ઉજવણી કરાશે. આ અવસરે હનુમાનજી મહારાજના મંદિરોમાં વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે અને પૂજન અર્ચન અર્થે ઉમટી પડશે.બજરંગદળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. 

ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલ તા.૨૩ ને મંગળવારે દેવાધિદેવ મહાદેવના ૧૧ માં રૂદ્ર અવતાર એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રીતીપાત્ર દૂત હનુમાનજી મહારાજના પ્રાગટયોત્સવના હરખભેર વધામણા કરવામાં આવશે. આ અવસરે શહેરના ગોળીબાર, રોકડીયા, ખારીયા, રાષ્ટ્રીય સંત પૂ.બજરંગદાસબાપાના જન્મસ્થળ અધેવાડાના ઝાંઝરીયા હનુમાનજી, ફૂલસરીયા,સિહોરના હનુમાનધારા,આંબલાના વાંકીયા હનુમાન, દામનગર પાસેના ભુરખીયા તેમજ સાળંગપુરના કષ્ટભંજનદેવ સહિતના તમામ પ્રાચીન અને અર્વાચીન હનુમાનજી મહારાજના પ્રાચીન અને અર્વાચીન હનુમાનજી મહારાજના મંદિરોમાં મંગળવારે સવારથી જ શ્રધ્ધાળુઓ દ્વારા અંજનીપુત્ર પર તેલ, અડદ અને સિંદૂર ચઢાવી શ્રીફળ ધરાશે.ધર્મસ્થાનકોમાં ધર્મમય માહોલમાં મહાપૂજન, હોમ હવન, અર્ચન, ધ્વજારોહણ, અન્નકુટના દર્શન, હનુમાનચાલીસા, મારૂતિ સ્તોત્ર અને સુંદરકાંડના પાઠ, અખંડ રામધૂન, સત્સંગ, શોભાયાત્રા, બટુકભોજન અને મહાપ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.પવનપુત્રના મંદિરોમાં મહાકાય લાડુ હનુમાનજીને ધરાશે. આ ઉત્સવમાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સહભાગી થઈ ધન્યતાની લાગણીની અનુભૂતિ કરશે.

બજરંગદળ ભાવ.મહાનગરના મહારાણા પ્રતાપ પ્રખંડ પ્રેરિત હનુમાનજી મહારાજની શોભાયાત્રા મંગળવારે સાંજે ૫-૩૦ કલાકે માઢીયા રોડ, શેરી નં.૧, કુંભારવાડા સર્કલ ખાતેથી સાધુ, સંતો અને મહંતોના હસ્તે પ્રસ્થાન કરાશે. જે વાજતે ગાજતે કુંભારવાડાના વિવિધ વિસ્તારોમાં ફરીને કેસરી નંદન મંદિરે પરત ફરશે.  આ વેળા ઝાંઝરીયા, ફૂલસરીયા, ભુરખીયા અને સાળંગપુરના કષ્ટભજનદેવ સહિતના હનુમાનજીના મંદિરોના પરિસરમાં મીની ભાતીગળ મેળાવડાનો અનેરો માહોલ દ્રશ્યમાન થશે. હનુમાન જયંતિના આયોજનને અનુલક્ષીને સેવક સમુદાય દ્વારા મંદિરોમાં અને પરિસરોમાં ધજાપતાકા અને ઈલેકટ્રોનિક રોશનીથી કશોભાયમાન કરવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 

સિંધુનગરમાં વિશાળ વાનરસેના તરખાટ મચાવશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના સિંધુનગરના અંબિકા માતાજીના મંદિરેથી એક વિશાળ વાનરસેના તેમજ દેવ દેવતાઓની ચિત્તાકર્ષક વેશભૂષા અને ફલોટસ સાથેની શોભાયાત્રા નિકળશે.આ વેળા ૧૭૧ જેટલા વાનરોની એક વિશાળ સેના સ્થાનિક વિસ્તારોમાં વાજતે ગાજતે ફરશે. અત્રે એ ખાસ નોંધનીય છે કે, ભાવનગરના સિંધુનગરમાં છેલ્લા ૧૨ વર્ષથી હનુમાન જયંતિએ વાનરસેનાનું વિશેષ આયોજન કરાય છે જે ભાવનગરવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બને છે.


Google NewsGoogle News