આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન : સર ટી. હોસ્પિ.માં દૈનિક સરેરાશ 140 મનોરોગીઓની સારવાર
- નોકરીના સ્થળે કામનું પ્રેશર, ટેન્શન સ્વસ્થ્ય માટે હાનિકારક : કાર્ય સ્થળે માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી આ વખતની થીમ
- છેલ્લા બે વર્ષમાં સર ટી. હોસ્પિટલના માનસિક સારવાર વિભાગમાં એક લાખથી વધારે દર્દીઓએ સારવાર લીધી : શરીરની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તી પણ મહત્વની છે
માનસિક બિમાર દર્દીઓ સાથે સમાજમાં થતા ભેદભાવના લીધે ઘણા લોકો સારવાર પણ નથી લેતા, અંધશ્રદ્ધા તરફ પણ વળી જાય છે
શરીરની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તી ખુબ જરૂરી છે અને તેના માટે દર વર્ષે ૧૦મી ઓક્ટોબરના રોજ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 'કાર્યસ્થળે માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનો સમય છે' થીપ પર આ વર્ષે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી થઈ રહી છે. આજકાલ લોકો નોકરી અને બિઝનેસની ચિંતામાં સતત પ્રેશરમાં રહે છે અને તેના કારણે વ્યક્તિા માનસિક સ્વાસ્થ્ય પર તેની ખુબ ગંભીર અસર પડે છે ત્યારે કાર્યસ્થળે માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશ્ય સાથે લોકો માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે ખુબ જરૂરી છે. ભાવનગરની સૌથી મોટી સર ટી. હોસ્પિટલના માનસિક સારવાર વિભાગમાં જુદી-જુદી માનસિક બિમારીઓની પીડિત દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે. વર્ષ-૨૦૨૪ના છેલ્લા ૯ માસના આંકડાઓ અનુસાર હોસ્પિટલના માનસિક સારવાર વિભાગમાં દરરોજ સરેરાશ ૧૪૦ દર્દીઓ જુદાં-જુદાં માનસિક રોગની સારવાર મેળવવામાં આવે છે. જેમાંથી સરેરાશ એકથી બે દર્દીઓ કાર્યસ્થળના પ્રેશરના લીધે કે બિઝનેસની ચિંતાના કારણે સારવાર લેતા હોય તેવા હોય છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં ૧ લાખથી વધારે દર્દીઓએ સારવાર મેળવી છે. ખાસ કરીને કોરોનાકાળ વિત્યા પછીના વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ના વર્ષમાં દર્દીઓની સંખ્યા સતત બે વર્ષ ૫૦ હજારથી વધારે રહી છે. માનસિક સારવાર વિભાગમાં ચાલુ વર્ષે છેલ્લા ૯ માસમાં ૩૮ હજારથી વધારે દર્દીઓએ સારવાર મેળવી છે. મહત્વની વાત એ છે કે, માનસિક બિમાર દર્દીઓ સાથે સામાન્ય લોકોના વલણ અને ભેદભાવ રાખવામાં આવતો હોવાથી ઘણા લોકો તણાવ, ચિંતારોગ, ઉન્માદ, રિક્ઝોફેનિયા, ઉન્માદ, ઉદાસિનતા, ધુનરોગ જેવી માનસિક બિમારીથી પિડાતા હોવા છતાં સારવાર મેળવતા નથી ત્યારે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે લોકો જાગૃત બની સારવાર મેળવે અને સમાજમાં મનોરોગી સાથે થતો ભેદભાવ દૂર થાય તે અનિવાર્ય છે.
કાર્યસ્થળ પર માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું ખુબ અનિવાર્ય છે.
આ અંગે સર ટી. હોસ્પિટલના માનસિક સારવાર વિભાગના વડા ડા.અશોક વાળાએ જણાવ્યું કે, અમારા વિભાગમાં જુદી-જુદી માનસિક બિમારીઓથી પીડિત દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે હજુ આપણો સમાજ એટલો જાગૃત નથી. મનોરોગી સાથે ભેદભાવ અને ગેરમાન્યતાઓના દૂર કરવી જરૂરી છે. માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું અનિવાર્ય છે અને સાથે કાર્યસ્થળ પર માનસિક સ્વાસ્થ્ય બાબતે ગંભીરતા લાવવી પણ હવે એટલી જ મહત્વની બની ગઈ છે. જેથી કર્મચારીઓ ની કાર્યક્ષમતા મહત્તમ થાય અને સંસ્થા ખુબ સફળતા મેળવી શકે. યોગ્ય દવા અને થેરેપીથી સારવારથી માનસિક બિમારી સામે લડી શકાય છે.
માનસિક સારવાર વિભાગમાં સારવાર મેળવેલા દર્દીઓ
વર્ષ |
ઓપીડી |
આઈપીડી |
૨૦૨૧ |
૪૦૮૧૮ |
૫૨૭ |
૨૦૨૨ |
૪૬૫૬૮ |
૫૬૮ |
૨૦૨૩ |
૫૨૧૮૨ |
૫૬૪ |
૨૦૨૪ |
૩૮૦૦૫ |
૩૮૮ |
(સપ્ટે.૨૪ સુધી)
યોગ્ય સારવારથી માનસિક બિમારી સામે લડી શકાય છે
સર ટી. હોસ્પિટલના માનસિક સારવાર વિભાગમાં સારવાર લેતા કુલ દર્દીઓમાંથી ૧૫ ટકા ડિપ્રેશનના, ૮-૧૦ ટકા ચિંતારોગના, ૧ ટકા સ્કિઝોફેનિયાના, ૪થી ૫ ટકા ધુનરોગના દર્દીઓ છે. ઉપરાંત ઉન્માદ, ઉદાસિનતા, ડીમેન્શીય જેવા અન્ય માનસિક રોગોના દર્દીઓ સારવાર મેળવે છે. યોગ્ય સારવારથી માનસિક બિમારી સામે લડી શકાય છે. નિયમિત કસરત, યોગ, પ્રાણાયામ, ધ્યાન, પુરતી ઉંઘ, યોગ્ય અને નિયમિત આહાર, વ્યસનોથી દૂર રહેવું અને સારા અને વધુ સામાજીક સંબંધોથી, જાગૃતિ કાર્યક્રમ, કાઉન્સેલિંગ, વર્કલાઈફ બેલેન્સ અને સપોર્ટિવ વાતાવરણથી માનસિક બિમારી સામે લડી શકાય છે અને માનસિક બિમારીથી બચી પણ શકાય છે.