આજે વિશ્વ એઈડ્ઝ દિવસ : સર ટી. હોસ્પિટલમાં 3 હજારથી વધારે એઈડ્ઝના દર્દીઓ
- વર્ષ-2024 ની થિમ ટેક ધ રાઈડ પથ, માય હેલ્થ માય રાઈટ
- હોસ્પિટલના એઆરટી પ્લસ સેન્ટર ખાતે દરરોજ સરેરાશ 70 થી 100 દર્દીઓની ઓપીડી થાય છે, અલંગ વિસ્તારમાં સૌથી વધારે દર્દીઓ
આવતીકાલે રવિવારે ૧લી ડિસેમ્બરના રોજ વિશ્વ એઈડ્ઝ દિવસની ઉજવણી 'ટેક ધ રાઈડ પથ, માય હેલ્થ માય રાઈટ' એચ.આઈ.વી. સાથે જીવતા લોકોના માનવ અધિકારોના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવીએની થિમ પર થઈ રહી છે. લોકોમાં એઈડ્ઝ અંગે જાગૃતિ આવે અને એઈડ્ઝના દર્દીઓ સાથે ભેદભાવ અટકે તે માટે દર વર્ષે એઈડ્ઝ દિવસની ઉજવણી થઈ રહી છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે એઆરટી પ્લસ સેન્ટરમાં નોંધાયેલા કુલ પીએલએચઆઈવી દર્દીઓ પૈકી આશરે ૩,૩૮૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી આશરે ૭૫ જેટલા દર્દીઓ એડમીટ થઈને સારવાર લઈ રહ્યાં છે. સામાન્ય રીતે હોસ્પિટલમાં સારવારમાં આવતા દર્દીઓ પૈકી એઈડ્ઝના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓની મંજુરી સાથે તેનો ટેસ્ટ કરવામાં આવે છે અને પોઝિટિવ આવતા દર્દીઓનું દવાની સાથે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જો દર્દી નિયમિત દવા ના લે તો રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને તેના કારણે દર્દીની સ્થિતિ ગંભીર બને છે અને જીવનું પણ જોખમ પણ રહે છે. સર ટી.હોસ્પિટલ ખાતે એઆરટી પ્લસ સેન્ટરમાં ભાવનગર ઉપરાંત બોટાદ અને અમરેલીના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. ભાવનગર શહેર અને જિલ્લાના તાલુકાઓમાં અલંગ અને તેની આજુબાજુના વિસ્તારમાં એઈડ્ઝના દર્દી નોંધાયેલા છે. વિશ્વ એડ્ઝ દિવસ નિમિત્તે ગત ૨૯ નવેમ્બરના રોજ દર્દીના સગાની તથા હોસ્પિટલના અધિકારીઓની ઉપસ્થિતિમાં મૃત્યું પામેલા એચઆઈવી ગ્રસ્ત દર્દીઓને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ આવતીકાલે રવિવારના રોજ વિશ્વ એઈડ્ઝ દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી મેડિકલ કોલેજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.