આજે ગોંડલ સ્ટેટનાં આદર્શ રાજવીની 155મી જન્મ જયંતી
- એ જમાનામાં કન્યા કેળવણીને મફત અને ફરજીયાત બનાવેલી!
- કુશળ રાજવહિવટ,પ્રજા વાત્સલ્ય અને ઉતમ નગરરચના
- પ્રજાવસ્તલ મહારાજા ભગવતસિંહજી હતા પ્રેરણારૂપ સાદગીનો પર્યાય
- ગોંડલની નગરરચના અને લોકો માટેની સુવિધા આજે પણ દૂરંદેશીપણાનું ઉત્તમ ઉદાહરણ
- પાકિસ્તાનનાં સર્જક મહંમદઅલી ઝીણાને ગોંડલ રાજયની હદમાં પ્રવેશબંધી ફરમાવીને રીબડાથી જ પરત ધકેલી દીધેલા!
ગોંડલ,તા. 23 ઓક્ટોબર 2020, શુક્રવાર
કુશળ રાજવહિવટ,પ્રજા વાત્સલ્ય અને ઉતમ નગરરચના માટે ઇતિહાસ નાં પૃ પર ચિરંજીવી બનેલાં સ્વપ્ન દ્રષ્ટા મહારાજા સર ભગવતસિંહજીની આવતીકાલે તા.૨૪મી ઓકટોબરે ૧૫૫ મી જન્મજયંતિ છે.સમયની ગર્તામાં દુનિયા બદલાઇ ચુકી છે.પણ સર ભગવતસિંહનું કુશળ વહીવટકર્તા તરીકેનું સુશાસન અને એ સમયમાં પ્રજા માટે સેવેલી ચિંતા અને સુખાકારી આજે પણ ગોંડલની ગલીએ ગલીમાં જીવંત બની ઉભા છે.મહારાજા નો પ્રભાવ અને તેજસ્વીતા આજે પણ નગરરચનામાં જાણે ધબકી રહ્યા છે.
આજે પાકીસ્તાન ભારત નું હાડોહાડ દુશ્મન છે.ત્રાસવાદ થી લઇ સરહદોને સળગતી રાખવાનો પિચાશી આનંદ પાકીસ્તાન લઇ રહયું છે.લાખો સૈનિકોની શહાદત પછી પણ આપણે તેની શાન ઠેકાણે લાવી શકયાં નથી.પરંતું ગોંડલ નરેશ ભગવતસિંહજી એ પાકીસ્તાનનાં સજઁક મહમદઅલી ઝીણાને રાજય ની હદ માં પ્રવેશવાની પાબંદી કરી રીબડા થીજ પરત ધકેલી દિધાં હતાં.ઝીણા પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ હતો. હિન્દુસ્તાનનાં નાગરીક હોવાં નો ઝીણા એ ઇન્કાર કરેલો.મહારાજા ભગવતસિંહજી એ મહમદઅલી ઝીણાને તેનાં વતન પાનેલી ને બદલે દિલ્હી રવાનાં કરેલાં,ભલે આઝાદી પહેલાંની ઘટનાં હતી પણ કાયદે આઝમ ગણાતાં ઝીણાનો દબદબો પણ કમ નાં હતો. આ હતું મહારાજા ની દેશદાઝ અને દેશ પરત્વેનું આત્મસમાંન હતા.
દેશનાં શાસકોએ ધડો લેવો પડે તેવું ગૌરવવંતુ સાસન હતું. રજવાડા તો દેશભરમાં હતા, પણ ગોંડલ મહારાજા કંઇક અલગ પ્રકાર નાં રાજવી હતાં. સાદગીનું એ પ્રતિક હતાં. અનેક રાજ્યોનાં રાજવીઓ અંગત મોજશોખ માટે રાજયની તિજોરી લુંટાવતાં પણ મહારાજા ભગવતસિંહજી દરેક પૈસાનો હિસાબ રાખતાં,સાદગી તો એવી કે ચાર જોડી અંગરખા, ચોરણી અને જાંબલી પાઘડીથી ચલાવતાં. મોટરકારો હોવાં છતાં બે ઘોડાની બગી નો ઉપયોગ કરતાં. આજે બેટી ભણાઓ નું સુત્ર સરકાર જોરશોરથી કરી રહીછે પરંતું એ જમાનામાં કન્યા કેળવણી ફરજીયાત અને મફત અમલી કરનારા મહારાજા ભગવતસિંહજી હતાં.
મહારાજાએ શહેરની સુઘડ બાંધણી,વિશાળ અને પહોળાં સિમેન્ટનાં રસ્તા, ફુટપાથો, અંડરગ્રાઉન્ડ વિજળી,ભુગભઁ ગટર,ઇટન કોલેજની પ્રતિકૃતિ સમી સંગ્રામસીંહજી હાઇસ્કુલ સહીત અનેક સુવિધાઓ સાથેની બેનમુન નગર રચનાં ની ભેટ પ્રજા ને આપી હતી.ગોંડલ નાં વેરી તળાવનું તળીયું કોંક્રીટ સિમેન્ટનું બનેલંડ આજે પણ અડીખમ છે.એ જમાનામાં તળાવમાં થી ગ્રેવિટી દ્વારા કેનાલ મારફત શહેરને પાણી અપાતું હતું. નેપોટીઝમ આજે રાજનિતીથી લઇ અનેક ક્ષેત્રમાં દુષણ રુપ બન્યું છે. ત્યાંરે ખમતીધર ખોરડાં જેવું રાજ્ય હોવાં છતાં મહારાજા પોતાનાં ચારેય કુંવરોને રાજય ની નોકરી કરાવી ને પગાર આપતાં એટલું જ નહીં ગોંડલ રાજ્યની લાખોની આવક હોવાં છતાં માસીક રૂા. બાર હજાર નું જ સાલિયાણું લેતાં હતાં.
કાઠીયાવાડમાં રેલવે શરું કરનાર ગોંડલ રાજય હતું.પોરબંદર નું રેલ્વે સ્ટેશન, રાજકોટ જંકશન ની માલીકી સર ભગવતસિંહજી ની હતી.આમ રેલ્વે નાં તેઓ પાયોનિયર હતાં.
આજે પણ ગોંડલની આગવી ઓળખ શહેરનાં પહોળાં રસ્તા છે. પ્રાચીન સમયનાં રોમનોની માફક મહારાજા ભગવતસિંહજીને બહુમાન મળ્યું હતું. રસ્તાઓ ઉપરાંત ગોંડલ નાં પુલ,નાળાંઓ અને બીજાં સાધનો માત્ર કાઠીયાવાડ નહીં બલ્કે હિન્દુસ્તાન માટે ગૌરવરૂપ હતાં. મહારાજા વૃક્ષ પ્રેમી હતાં.વૃક્ષ છેદન ને તેઓ બાળહત્યા ગણાવતાં.પ્રજાનાં જાનમાલનાં રક્ષણની અનેકવિધ યોજના અમલી બનાવી હતી.રાજયમાં કાયદો વ્યવસ્થાને કારણે ખેતરે ખેતરે સીમમાં અંતરીયાળ પણ પાકાં મકાનો જોવાં મળતાં જ્યાં ખેડૂતો નિભઁય બની પરીવાર સાથે રાત દિવસ રહીં શકતાં. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની શાંતિ નિકેતનને મોટી રકમનો ફાળો આપનાર મહારાજા ભગવતસિંહજી હતાં. તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને મહાત્માની પદવી આપનાર પણ ગોંડલ હતું. દક્ષીણ આફ્રીકાની લડતમાં મહારાજાએ ગાંધીજીને આર્થીક સહાય મોકલી હતી.
સંસ્કૃતિ સજઁક મહારાજા ભગવતસિંહજીએ ગોંડલમાં એક નવો યુગ સર્જયો હતો. ગોંડલ ની પ્રજા નાં હદય ઉપર ભગવતસિંંહજીએ સેવાવૃતિથી જણાવેલું સામ્રાજ્ય આજે પણ અડગ અને અટલ છે. સુખદ નોંધ એ લઇ સકાય કે છેલ્લા વરસો માં નગરપાલિકા નાં શાસકો એ શહેર નાં રોડ રસ્તાઓ પરત્વે ધ્યાન કેન્દ્રીત કરી સમગ્ર શહેરમાં સિમેન્ટ રોડનાં કરાયેલ નવીનીકરણ સંસ્કૃતિ સજઁક મહારાજા ભગવતસિંહજીને અપાયેલ સાચી શ્રધ્ધાંજલી ગણાશે.