આજે ગોહિલવાડમાં ચોમેર માંગલિક કાર્યોનો ધમધમાટ વધશે

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
આજે ગોહિલવાડમાં ચોમેર માંગલિક કાર્યોનો ધમધમાટ વધશે 1 - image


- શસ્ત્ર, અસ્ત્ર, અશ્વ અને વાહનની પૂજાવિધિ કરાશે

- આજે શારદીય નવરાત્રિના સમાપન સાથે વિજયાદશમીનું મહાપર્વ પણ ઉજવાશે

ભાવનગર : જપ, તપ, આસ્થા અને અનન્ય આસ્થાના મહાપર્વ શારદિય નવરાત્રિનું અંતિમ તબકકામાં આઠમ અને નોમના હવનની ઉજવણી સાથે ભાવ અને ભકિતમય માહોલમાં સમાપન થયુ હતુ. આવતીકાલ તા.૨૪ ઓકટોબરને શુક્રવારે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં પરંપરાગત રીતે વિજયાદશમીના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. આજના અવસરે શસ્ત્ર, અસ્ત્ર અને વાહનનું પૂજન કરાશે. 

આદ્યશકિતની ઉપાસના અને આરાધનાના નવલા નવરાત્રિ મહોત્સવની નવધા ભકિતનું આવતીકાલે તા.૨૪ ઓકટોબરને મંગળવારે વિજયાદશમીના મહાપર્વની ઉજવણીની સાથે સમાપન થશે. આસૂરી શકિતઓ ઉપર ધર્મના વિજયના આ અવસરે ગોહિલવાડમાં ચોતરફ માંગલિક કાર્યોનો ધમધમાટ વધી જશે. આ વર્ષે વરસાદ પાણી પ્રમાણમાં સારા હોય માંગલિક કાર્યોની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લાભરમાં શેરી, મહોલ્લાઓ, કોમ્યુનિટિ હોલ, પાર્ટીપ્લોટ, ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ એક એકથી ચઢીયાતા ટ્રેડિશ્નલ ડ્રેસ પરિધાન કરેલા ખેલૈયાઓએ મન મુકીને રાસોત્સવની રંગત માણી હતી. ગત વર્ષની તુલનામાં આ વર્ષે સોશ્યલ મિડીયાનો ભારે પ્રભાવ રહેતા ખેલૈયાઓ અને વિવિધ ખાનગી પ્રોફેશ્નલ ગૃપ દ્વારા રાસોત્સવના ફોટા, વિડીયો કલીપીંગ્સ તેમજ રીલ બહોળી સંખ્યામાં વાયરલ કરાયા હતા. આસો સુદ નોમના સમાપન સાથે શારદીય નવરાત્રિનું સમાપન થશે બાદ પારણા થશે. જયારે ઔદ્યોગિક વસાહતોમાં ફેકટરીઓ, કારખાનાઓમાં યાંત્રિક મશીનરીઓ, શસ્ત્ર, અસ્ત્ર, અશ્વ અને વાહનની પૂજાવિધિ કરાશે. તેમજ  નૂતન વર્ષ માટેના ચોપડા, કોમ્પ્યુટર, કાગળ, સ્ટેશનરી તેમજ પરિવારમાં આગામી વર્ષમાં આવનારા માંગલિક પ્રસંગો માટે સોનુ, ચાંદી, આભુષણના ઓર્ડર આપવા, ખરીદવા માટે પણ વિજયાદશમી સર્વશ્રેષ્ઠ ગણાતી હોય આજના અવસરે સ્થાનિક કાગદી બજાર તેમજ સોની બજાર સવિશેષ ધમધમતી રહેશે.

સ્થાવર અને જંગમ મિલ્કતની ખરીદી, વેચાણની પ્રક્રિયામાં વેગ આવશે

વિજયાદશમીનું મહાપર્વ વણજોયુ શુકનવંતુ શુભ મુર્હૂત ગણાતું હોય આવતીકાલે મંગળવારે ગોહિલવાડમાં ચોતરફ પ્લોટ, જમીન, મકાન તેમજ વાહન સહિત તમામ સ્થાવર અને જંગમ મિલ્કતની ખરીદી અને વેચાણની કામગીરીનો ધમધમાટ પણ વધી જશે. જમીન અને મકાનના સોદા કરાશે. આ ઉપરાંત નવા મકાનનું વાસ્તુ, નવપ્રસ્થાન, ધંધા વ્યવસાયનું ઉદઘાટન સહિતના માંગલિક કાર્યોનો ધમધમાટ વધશે.નવરાત્રિના પ્રથમ નોરતાથી લઈને વિજયાદશમી સુધી ભાવનગર શહેર અને જિલ્લાભરના ટુ વ્હીલર્સ તેમજ ફોર વ્હીલર્સના વિક્રેતાઓને ત્યાંથી કરોડો રૂપીયાની કિંમતના વાહનોનું બાય કેશ અને હાલ મોટા ભાગના હપ્તા સિસ્ટમથી વેચાણ નોંધાયેલ છે.

આમ આદમી પાર્ટીના ઉપક્રમે આજે રામલલ્લાની શોભાયાત્રા નિકળશે

ભાવનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે વિજયાદશમી પર્વ નિમીત્તે તા.૨૩,૪ ને મંગળવારે શહેરના નિલમબાગ સર્કલ ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન રાખેલ છે. આ કાર્યક્રમમાં રામલલ્લાની શોભાયાત્રા તેમજ ગુજરાતી પ્રવર્તમાન પરિસ્થિતિને ઉજાગર કરવામાં આવશે. 


Google NewsGoogle News