જૂની પીપળીના યુવાનની હત્યાના કેસમાં આરોપીને આજીવન સખ્ત કેદની સજા

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
જૂની પીપળીના યુવાનની હત્યાના કેસમાં આરોપીને આજીવન સખ્ત કેદની સજા 1 - image


- મોરબી કોર્ટ દ્વારા અપાયેલો ચૂકાદો

- પૈસાની લેતીદેતીના મામલે યુવાનને કારમાં લઈ જઈ પિસ્તોલથી ફાયરિંગ કરી હત્યા કરી લાશ અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી

મોરબી : મોરબીના જૂની પીપળી ગામના રહેવાસી યુવાનની એક ઇસમેં પૈસાની લેતીદેતી મામલે હત્યા હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આજે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. 

જૂની પીપળી ગામના રહેવાસી પ્રેમજીભાઈ શીવાભાઈ જેઠલોજાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૫-૦૪-૨૦૧૭ ના રોજ સવારના સાડા આઠથી સાંજના સવા સાતેક વાગ્યાના અરસામાં આરોપી જયેશ શામજીભાઈ કાસુન્દ્રાએ ફરિયાદીના દીકરા ચંદ્રકાંત પ્રેમજીભાઈ જેઠલોજાને પૈસાના હિસાબની લેતીદેતી મામલે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કારમાં બેસાડી આમરણ ક્રિશ્ના જીનીંગ ખાતે લઇ ગયો હતો. જ્યાં હાથ બનાવટની પિસ્તોલથી ફાયરીંગ કરી બે ગોળીઓ મારી હત્યા કરી હતી. અને મૃતદેહ પોતાની કારની ડેકીમાં નાખી મોરબી રાજકોટ બાયપાસ રોડ પર મચ્છુ નદીમાં નવી બનતી સ્કૂલ પાસે અવાવરૂ જગ્યાએ પાણીમાં નાખી દઈ પુરાવાનો નાશ કરી મૃતકની ગાડી મહેન્દ્રનગર ચોકડી પાસે બિનવારસી હાલતમાં મૂકી પોતાની ઈન્ડીગો કાર લઈને ફરાર થયો હતો. અને મૃતકના પિતાને મોબાઈલમાં ફોન કરી તમારો દીકરો જોઈતો હોય તો રૂ ૩ કરોડ આપો તેવી ધમકી આપી ખંડણી માંગી હતી. અને સહ આરોપી વિકાસ ઉર્ફે પ્રકાશ ઉર્ફે વીકી મુન્નાભાઈ સોની રહે (એમપી)એ પિસ્તોલ આરોપી જયેશને વેચાણ આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી જયેશ સામજીભાઇ કાસુન્દ્રાને ઝડપી લીધો હતો. અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા જિલ્લાના સરકારી વકીલ વિજયકુમાર સી જાનીએ કોર્ટમાં ફરિયાદ પક્ષે ૪૩ મૌખિક પુરાવા અને ૫૪ દસ્તાવેજી પુરાવા રુજ કર્યા હતા.  દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવ્યો હતો. જયેશ કાસુન્દ્રાને કોર્ટે આજીવન કારાવાસની સખ્ત કેદની સજા અને રૂ ૫૦ હજાર દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.


Google NewsGoogle News