Get The App

9 લાખની મત્તાની ચોરીમાં મૂળ રાજસ્થાનના ત્રણ શખ્સો ઝડપાયા

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
9 લાખની મત્તાની ચોરીમાં મૂળ રાજસ્થાનના ત્રણ શખ્સો ઝડપાયા 1 - image


રાજકોટના પંચાયતનગરની ચોરીનો ભેદ ઉકેલાયો

પોલીસની ટીમોએ અમદાવાદ અને રાજસ્થાનથી ઝડપી લીધા, કુલ રૂા. ૭.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ: પંચાયતનગર શેરી નં. ૨માં આવેલા મકાનની બારીનો સળિયો કાપી, અંદર ત્રાટકી બેડરૂમમાં રાખેલ લોકરમાંથી એકંદરે રૂા. ૯.૦૬ લાખની મત્તાની ચોરીનો ભેદ ગાંધીગ્રામ-૨ પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એલસીબીએ મળી ઉકેલી લઇ તસ્કર ટોળકીને ઝડપી લઇ રૂા. ૭.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ માતબર રકમની ચોરીના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થાનિક પોલીસ ઉપરાંત બ્રાંચોને સંયુક્ત રીતે તપાસ કરી ભેદ ઉકેલવા માટે સૂચના આપી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત બસિયાની આગેવાની હેઠળ ગાંધીગ્રામ-૨ પોલીસ ઉપરાંત એલસીબીનો સ્ટાફ તપાસમાં જોડાયો હતો. સીસીટીવી ફૂટેજ વગેરેના  આધારે તસ્કરોની ઓળખ મેળવી લીધી હતી.

વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે ચોરીમાં સામેલ કમલેશ કુલારામ માલી (ઉ.વ.૨૩) અમદાવાદમાં જ્યારે અરવિંદસિંગ મહોબતસિંગ ચૌહાણ (ઉ.વ.૨૮) અને અગરારામ વરજોંગારામ ચૌધરી (ઉ.વ.૩૦) રાજસ્થાનના શિરોહી ખાતે હોવાની ચોક્કસ માહિતી મળતાં ત્રણેયને ત્યાંથી ઝડપી લીધા હતાં. 

આરોપીઓ પાસેથી પોલીસે રૂા. ૭.૦૫ લાખના દાગીના, ટેબ્લેટ, મકાનના દસ્તાવેજની ફોટોકોપી, વિદેશી લેડીઝ ઘડિયાળ, જેન્ટસ ઘડિયાળ, બે પાસપોર્ટ, અલગ અલગ બેંકના કાર્ડ, ઓમાનનું ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક લોકરની ચાવી, પર્સ, તણી, તૂટેલું ડિજિટલ લોકર, ગ્રાઇન્ડર મશીન, રોકડા રૂપિયા અને ઓમાનની કરન્સી, ત્રણ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતાં. 

ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે અને હાલ રાજકોટના સહકાર મેઇન રોડ પર રહેતા હતા. આરોપી કમલેશ સામે અમદાવાદના ખાડિયા પોલીસ મથકમાં  જ્યારે અરવિંદસિંગ સામે રાજસ્થાન અને મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે. 



Google NewsGoogle News