રતનપર નજીક જૂની અદાવતે યુવક પર ત્રણ શખ્સનો હુમલો
ગઢડિયાનો યુવાન બાઈક લઈ ઘરે જઈ રહ્યો હતો
કુહાડી, લાકડી અને પાઈપથી માર મારી ધમકી આપી શખ્સો કાર લઈ ફરાર
ભાવનગર: બોટાદ તાલુકાના રતનપર ગામ નજીક જૂની અદાવતે એક યુવાનને ત્રણ શખ્સે કુહાડી, લાકડી અને પાઈપથી માર મારી ધમકી આપ્યા બાદ હુમલાખોરો કારમાં બેસી નાસી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ તાલુકાના ગઢડિયા ગામે નવાપરા વિસ્તારમાં રહેતા હરેશભાઈ માવજીભાઈ શિયાળ (ઉ.વ.૩૫) ગઈકાલે બુધવારે સાંજના સમયે પોતાની બાઈક લઈ તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રતનપર ગામથી આગળ પુલ પાસે પહોંચતા ગભરૂ (રહે, ચોરવીરા, તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર) અને બે અજાણ્યા શખ્સે છ માસ પૂર્વે ગભરૂ સાથે થયેલી બોલાચાલીની અદાવત રાખી કાર લઈ આવી બાઈકને ઉભી રખાવી ગાળો દઈ કુહાડી, લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપી ત્રણેય શખ્સ કાર લઈ નાસી ગયા હતા. જે બનાવમાં ઈજા પામેલા હરેશભાઈ શિયાળને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પાળિયાદ બાદ વધુ સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સંદર્ભે ઈજાગ્રસ્તે બે અજાણ્યા સહિત ત્રણ શખ્સ સામે પાળિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.