Get The App

મોરબીમાં મમુ દાઢી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ ઝબ્બે

Updated: Nov 27th, 2024


Google News
Google News
મોરબીમાં મમુ દાઢી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ ઝબ્બે 1 - image


ગુજસીટોક કોર્ટમાં સરન્ડર કરતાં પોલીસે કબજો લીધો

સવા ત્રણ વર્ષથી ફરાર ત્રણે'ય શખ્સોને ૧૫ દિવસના રિમાન્ડ પર લઇને ક્યાં રોકાયા, કોણે મદદ કરી ? વગેરે મુદ્દે તપાસનો ધમધમાટ

મોરબી : મોરબીમાં વર્ષ ૨૦૨૧માં મમુ દાઢીની હત્યાના ગુનામાં અગાઉ ૧૫ ઇસમોને ઝડપી લીધા હતા જે ગુનામાં મુખ્ય આરોપી આરીફ મીર સહિતના ત્રણ ઈસમો ફરાર હતા. જેમણે ગુજસીટોક કોર્ટમાં સરન્ડર કર્યા બાદ મોરબી પોલીસે આજે ધરપકડ કરવા સાથે કબજો મેળવ્યો હતો અને ૧૫ દિવસના રિમાન્ડ મંજુર થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

ગત તા. ૦૭-૦૯-૨૦૨૧ ના રોજ શનાળા બાયપાસ નજીક મમુ દાઢીની હત્યા કરવામાં આવી હતી. જે બનાવ મામલે તા. ૦૮-૦૯-૨૧ ના રોજ ગુનો નોંધાયો હતો. બાદમાં તા. ૩૦-૦૯-૨૧ ના રોજ આરીફ મીર અને તેની ગેન્ગના ૧૮ ઈસમો વિરુદ્ધ ગુજસીટોકની કલમનો ઉમેરો કરાયો હતો જેમાં અગાઉ પોલીસે ૧૫ ઇસમોને ઝડપી લીધા હતા જોકે હત્યાના ગુનામાં મુખ્ય આરોપી આરીફ મીર સહિતના ત્રણ ફરાર હતા ગત તા. ૨૫ ને સોમવારે ગુજસીટોક કોર્ટમાં આરોપી આરીફ ગુલમામદ ધોળા(મીર), મકસુદ ગફુર સમા અને કાદર ગનીભાઈ મતવા એમ ત્રણ ઇસમોએ કોર્ટમાં સરન્ડર કર્યું હતું.જેથી મોરબી પોલીસે આરોપીઓની કબજો મેળવ્યો છે અને કોર્ટે આરોપીઓના ૧૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.  જે મામલે ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યું છે કે ગુજસીટોકની કલમનો ઉમેરો કરી અગાઉ ૧૫ ઇસમોને ઝડપી લીધા હતા. ત્રણ આરોપી ફરાર હતા, જેને કોર્ટમાં સરન્ડર કરતા તેનો કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યા છે આરોપીઓના ૧૫ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે ત્યારે હત્યાના બનાવ બાદથી એટલે કે સવા ત્રણ વર્ષથી આરોપીઓ ક્યાં ક્યાં રોકાયા હતા, કોને કોને મદદગારી કરી હતી તે દિશામાં તપાસ ચલાવવામાં આવશે.

મોરબી પોલીસે રીઢા ગુનેગારો વિરુદ્ધ ગુજસીટોક કલમોનો ઉમેરો કર્યા બાદ મિલકત જપ્તી સહિતની કામગીરી પણ કરી હતી. પોલીસ દ્વારા આરોપી ઇમરાન હનીફ ચાનિયા, રીયાઝ રજાક ડોસાણી, ઈરફાન અલ્લારખા ચોચોદરા અને આરીફ ગુલમહમદ મીર (રહે બધા મોરબી) અને તેની પત્ની અને ભાઈના નામે વસાવેલ કુલ ૩૦ સ્થાવર અને જંગમ મિલકત જપ્ત કરવા તેમજ અલગ અલગ બેંકમાં રહેલ ૨૪ બેંક એકાઉન્ટમાં રોકડ રૂપિયા આશરે ૧૨.૫૦ લાખની રોકડ જપ્ત કરવા હુકમ કર્યો હતો. જેને પગલે ૧.૮૦ કરોડની મિલકત અને ૨૪ બેંક ખાતામાં રહેલ ૧૨.૫૦ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

Tags :
MorbiThree-arrested-including-the-main-accusedMamu-Beardi-murder-case

Google News
Google News