પોરબંદરના હિટ એન્ડ રનની ઘટનામાં આખરે ત્રણ આરોપીઓની ધરપકડ

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
પોરબંદરના હિટ એન્ડ રનની ઘટનામાં આખરે ત્રણ આરોપીઓની ધરપકડ 1 - image


મિત્રની વાડીએ પાર્ટી કરી પરત ફરતી વખતે પૂરપાટ કાર ચલાવતાં અકસ્માત

અકસ્માત સર્જ્યા બાદ બન્નેને નાસી જવામાં મદદરૂપ બનનાર ખાપટનો યુવાન પણ પોલીસની ગિરફ્તમાં

પોરબંદર: પોરબંદરમાં સોમવારે રાત્રે કર્લીપુલ પર બેફામ સ્પીડે કાર ચલાવતા શખ્સે ગમખ્વાર અકસ્માત સર્જીને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી યુવતીને કચડી નાખી હતી અને અન્ય ચાર લોકોને ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં એવું બહાર આવ્યું છે કે, મિત્રની વાડીએ પાર્ટી કરીને બે યુવક પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો, અને અકસ્માત સર્જયા બાદ બંનેને નાસી જવામાં મદદરૂપ બનનાર ખાપટનો યુવાન પણ પોલીસ ગીરફતમાં આવી ગયો છે.

કર્લી પુર ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે પકડી પાડેલા આરોપીઓ પૈકી સીતારામનગરમાં રહેતા કારચાલક સંદીપ છગન ઓડેદરા (ઉ.વ. ૨૭) અને તેનો મિત્ર રામ ભોજા ઓડેદરા (ઉ.વ. ૨૯) આ બંને સાંદીપનિ પાછળ આવેલી વાડીમાં પાર્ટી કરીને પરત ફરતા હતા અને નરસંગ ટેકરી પાસે અકસ્માત સર્જાયો હતો તેવી કબુલાત આપી હતી. એકસીડન્ટ પછી બંનેને ભાગવામાં મદદરૂપ બનનાર પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા આશીષ નરબત ખીસ્તરીયા (ઉ.વ.૨૩)ની સંડોવણી હોવાનું ખુલતા પોલીસે તેની પણ ધરપક્ડ કરી છે. 

પાર્ટી દારૂની હતી કે કેમ ? તે અંગેની માહીતી બહાર લાવવા પુછપરછ હાથ ધરવામાં આવી છે. કમલાબાગ પોલીસ મથક ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સંદીપ ઓડેદરા જ કાર ચલાવતો હોવાનું જાહેર કર્યું હતું. આથી આ ત્રણે શખ્સોની આકરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.

સોશ્યલ મીડિયામાં 'જસ્ટિસ ફોર શિવાની'ની ઝુંબેશ

હીટ એન્ડ રનના બનાવમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી શિવાની લાખાણીનું મોત થતા શહેર ભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેની સ્મશાનયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોલીસ અકસ્માત સર્જનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરી શિવાનીને ન્યાય અપાવે તેવી પણ માંગ કરી હતી. તો બીજી બાજુ ધારાસભ્યથી માંડીને આગેવાનોએ પણ શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા તથા સોશિયલ મીડિયામાં પણ જસ્ટિસ ફોર શિવાનીના નારા લાગ્યા છે.

મૃતક તથા ઇજાગ્રસ્તોના પરિવારોને વળતર ચૂકવવા આવેદન પત્ર

કર્લી પુલ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની તેમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવાની માગણી થઈ છે. તે ઉપરાંત મૃતકના પરિવારજનોને દસ લાખ અને ઈજાગ્રસ્તોના પરિવારજનોને પાંચ લાખનું વળતર આપવા મુખ્યમંત્રીને આવેદન પાઠવાયું છે.



Google NewsGoogle News