Get The App

ભાવનગર શહેરમાં હજજારો દર્દીઓ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ભાવનગર શહેરમાં હજજારો દર્દીઓ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે 1 - image


- આજે વિશ્વ કેન્સર દિવસ, જાગૃતિવર્ધક કાર્યક્રમોનું આયોજન

- ભારતની યુવા વસ્તીમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક પ્રમાણમાં વધારો 

ભાવનગર : આવતીકાલ તા.૪ ફેબુ્રઆરીને રવિવારે વિશ્વ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવશે.ખરાબ જીવન શૈલી, ખાવા-પીવાની ખોટી આદત સહિતના કારણે ભારતની યુવા વસ્તીમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં ૩૦ હજારથી વધુ દર્દીઓ કેન્સર સામે ઝઝુમી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો અનેક લોકો નાની વયથી જ કેન્સરનો શિકાર બની રહ્યા હોય આ રોગ તંદુરસ્ત ભારતના ભવિષ્ય માટે ખતરા સમાન બની રહ્યો છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાની પહેલથી વર્ષ ૧૯૩૩ માં સ્વીટર્ઝલેન્ડના જીનીવા ખાતે પ્રથમ કેન્સર દિવસની ઉજવણી કરાઈ હતી. ગત વર્ષે કલોઝ ધ કેર ગેપની થીમ પર વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરાઈ હતી. કેન્સર વિશે જાગૃતિ કેળવવા અને મૃત્યુઆંક ઘટાડવા માટે કેન્સર ડેની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાય છે. આ નિમીત્તે તબીબો અને સરકારી અને ખાનગી હોસ્પિટલો દ્વારા નિશુલ્ક ચેકઅપ કેમ્પ, માર્ગદર્શક વાર્તાલાપ સહિતના કાર્યક્રમો યોજાશે. કેન્સર માટે વ્યસન જવાબદાર છે. સામાન્ય રીતે નુકશાનકારક પેસ્ટિસાઈડ, દારૂ,તમાકુ અને ધુમ્રપાનથી કેન્સરનો ખતરો વધે છે. ધુમ્રપાનથી ફેફસા, મો, ગળા, ફેફસા, જઠર, આંતરડા, મૂત્રાશય, શુક્રગ્રંથિ તેમજ ચામડી, પ્રોસ્ટેટના કેન્સરના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન ચિંતાજનક પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં હાલ કેન્સરના બે નિષ્ણાંત તબીબો અને સમગ્ર ગુજરાત રાજયમાં અંદાજે ૫૦ આસપાસ નિષ્ણાંત તબીબો કાર્યરત છે. મો અને સ્વાદુપિંડના કેન્સરની પાછળ મહદંશે તમાકુ જવાબદાર હોય છે. ઘણીવાર ધુમ્રપાન કરનારની બાજુમાં રહેવાથી પણ ફેફસાનું કેન્સર થઈ શકે છે. તેથી સારા સ્વાસ્થ્ય માટે ધુમ્રપાનથી દૂરી હિતાવહ છે.વધુ પડતી ચરબીવાળા ખોરાકના નીયમીત સેવનથી પણ કેન્સરની શકયતા વધી શકે છે તેથી વધુ કેલરીવાળો ખોરાક, વધારે માત્રામાં ખાંડ અને બિનઆરોગ્યપ્રદ ચરબીવાળો ખોરાક લેવાનું ટાળવુ જોઈએ. નીયમીત યોગાસન, પ્રાણાયામ અને કસરતથી ફેફસા, કોલોન અને કિડની જેવા કેન્સર થવાનું જોખમ ઘટે છે તેવુ આયુર્વેદાચાર્યોેએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, કેન્સરને મહાત આપવા સમયાંતરે મેડિકલ ચેકઅપ અને સ્ક્રીનીંગ કરાવતા રહેવુ ખુબ જ આવશ્યક છે. જીવનશૈલીમાં ફેરફાર કરવાથી જ કેન્સર સામે બચી શકાય તેમ છે. કેન્સર એટલે કેન્સલ નહિના પ્રચાર સાથે કેન્સરના દર્દીઓને સાંત્વના આપી જાગૃતિ લાવવાનું પ્રેરણાદાયક કાર્ય કરી રહેલા સિધ્ધિ વિનાયક ફાઉન્ડેશનના જતીનભાઈ ઓઝા અને તેમની ટીમ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાની શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં અવારનવાર માર્ગદર્શક વાર્તાલાપ, સ્લાઈડ શો સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અગાઉના વર્ષોની તુલનામાં આ અંગે જાગૃતિ વધતા હવે કેન્સરથી થતા મૃત્યુના દરમાં આંશિક ઘટાડો જરૂર થયો છે. 

કેન્સર અટકે પણ છે અને મટે પણ છે....

શરીરના કોષમાં નુકશાની થવાને કેન્સર કહે છે, શરીરના દરેક અવયવો ખાસ કરીને મોઢુ, ગળુ, સ્તન, ફેફસા, હોજરી, ગર્ભાશય અને લીવરમાં કેન્સર થઈ શકે છે જે પાંચ ટકા જેટલુ વારસાગત છે. કેન્સર એટલે કેન્સલ નહિ, કેન્સર અટકે પણ છે અને મટે પણ છે તેમ જણાવી શહેરના કેન્સર સર્જન ડો. નિરવ થડેશ્વરએ વધુમાં ઉમેર્યુ હતુ કે, પ્રથમ, બીજા, ત્રીજા અને ચોથા સ્ટેપમાં પણ સઘન સારવારથી મટી શકે છે. દર્દીએ ગાંઠ, ચાંદા, પેટ,મોઢુ અને માથાનો દુખાવો, સંડાસમાં લોહી વગેરે સંકેત જણાય ત્યારે ત્વરીત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. 


Google NewsGoogle News