શેત્રુંજય આદિનાથ દાદાની 492 મી સાલગીરીમાં હજારો ભાવિકો ભાગ લેશે
- આવતીકાલે પાલિતાણામાં ધર્મોત્સવનો પ્રારંભ
- ગિરિરાજ ઉપર નવટૂક, જય તળેટી, મોટા રસ્તાની દેરીઓ, રોહિશાળા, સિધ્ધવડ પગલા જીન મંદિરો પર 950 ધ્વજા રોહણ કરાશે
પૂર્વ કાળમાં ભરત ચક્રવતી સંઘ લઇને આવી ગીરીરાજ ઉપર સૌ પહેલા જિનમંદિર બંધાવ્યું. કાળક્રમે જીર્ણ થતાં આ જીનમંદિરનો ઉદ્ધાર થયા અને વી.સ. ૧૫૮૭ ગુજરાતી વૈશાખ વદ-૦૬ના દિવસે પ્રતિષ્ઠાચર્યા વિધામંડનસૂરિજીના વાસનિક્ષેપપૂર્વક ચિતૌડ (મેવાડ)ના પુણ્યશાળી મંત્રી શેઠ કર્મશા દોશી પરિવારે આજથી ૪૯૧ વર્ષ પૂર્વે પ્રતિષ્ઠા કરેલ હતી તે સમયે પ્રભુજી સાક્ષાત હોય તેમ પ્રતિમાજીએ સાત વખત શ્વાસોશ્વાસ લીધા આ પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાજીની વૈશાખ વદ-૬ના દિવસે ૪૯૨ સાલગીરી તા.૧૧ને ગુરૂવારના રોજ સવારે શુભ મુહૂર્તે પૂજ્ય મૂળનાયક આદિનાથદાદાજીની ધજારોહણ લાભાર્થી પરિવાર દ્વારા ૯.૩૮ કલાકથી કરવામાં આવશે તથા આ સિવાય તીર્થરાજ ગિરિરાજ ઉપર નવટૂંક, મોટી ટૂંક જય તળેટી મોટા રસ્તાની દેરીઓ, રોહિશાળા પગલા સિદ્ધવડ પગલાની દેરી ગામ જુની તળેટી સમગ્ર જીન મંદિરો ઉપર કુલ ૯૫૦ જેટલી ધજારોહણ કરવામાં આવશે અને આ એકસાથે આટલી બધી ધજા ચડાવાનો વિશ્વ રેકોર્ડ થશે અને આ પ્રસંગ ભવ્યથી ભવ્ય રીતે ભારતભરમાંથી આવેલ યાત્રીકો દ્વારા ધજારોહણ અને સ્નાત્ર પુજા સતર ભેદી પૂજા વિગેરે ભણવામાં આવશે તથા આ પ્રસંગ પાલિતાણામાં સ્થિત પૂજ્ય સાધુ ભગવંત અને પૂજ્ય સાધ્વી ભગવંતોની નિશ્રામાં ઉજવવામાં આવશે. લગભગ ૧૦૦૦૦ થી ૧૫૦૦૦ યાત્રિકો આ પ્રસંગમાં ભાગ લેશે અને તમામ યાત્રિકો માટે પરણા ભુવન ખાતે ભોજન (સ્વામીવાત્સલ્ય)ની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના સહયોગથી લાભાર્થી પરિવાર દ્વારા કરવામાં આવશે. વિવિધ સંઘોમાંથી ગામેથી ગિરિરાજ સ્વયં સેવકો ભાવનગરથી પ્રાર્થના યુવક મંડળના સ્વયંસેવકો વિવિધ મંડળો યાત્રિકોની વ્યવસ્થા કરવા માટે પધારશે તથા સંઘ પૂજન તથા ઉપર પરબોમાં ઉકાળેલા પાણી વ્યવસ્થા જરૂરી દવા વિગેરેની વ્યવસ્થા યાત્રિકો માટે રાખવામાં આવશે. આ સિવાય પાલિતાણા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન તથા અન્ય બંદોબસ્ત કરવામાં આવશે.