પાલિતાણામાં આદેશ્વરદાદાના ચવન કલ્યાણક મહોત્સવમાં હજજારો ભાવીકો ઉમટશે
- મહોત્સવને લઈને શ્રાવકોમાં પ્રવર્તિ રહેલો ધર્મોલ્લાસ
- દ્વિ-દિવસીય મહોત્સવ દરમિયાન પ્રભુજીની રજવાડી રથયાત્રા અને સ્નાત્રપૂજા સહિતના કાર્યક્રમોનું આયોજન
યાત્રાધામ પાલિતાણા ખાતે યોજાનારા આ ધર્મોત્સવને અનુલક્ષીને આગામી તા.૨૪ જુનના રોજ રાજયભરના અનેક સ્થળોએથી અસંખ્ય આબાલવૃધ્ધ ભાવિકો પાલિતાણામાં ઉમટી પડશે. તે સર્વોની પાલિતાણામાં તળેટી રોડ પર આવેલ ભાવનગરની સલોત જગજીવન ફૂલચંદ જૈન ધર્મશાળામાં સવારે ૭-૩૦ કલાકે સામુહિક નવકારશી ભકિત રાખેલ છે.સવારે ૯-૩૦ કલાકે મહારાષ્ટ્ર ભવનમાં પ્રભુ ભકિત, સાધર્મિક ભકિત રાખવામાં આવેલ છે. જયારે બપોરે ૩ કલાકે કલ્યાણક મહિમા વિષયક પ્રવચન,ચૌવિહાર રાત્રે ૮ કલાકે પધારેલા ભાવિકોનું સામૂહિક મિલન મહારાષ્ટ્ર ભવનમાં યોજાશે. આગામી તા.૨૫ ના સવારે ૬-૧૫ કલાકે મહારાષ્ટ્ર ભવન, સલોત ભવન, નંદપ્રભાથી પુજાવસ્ત્રધારી શ્રાવકો દ્વારા શત્રુંજય કલ્યાણક રથ મંદિર તથા રૂજીવાલીકા રથ મંદિરના સાનીધ્યે ચતુર્વિધ સંઘની હાજરીમાં પ્રભુજીની રજવાડી રથયાત્રા તળેટી રોડ ઉપર વાજતે-ગાજતે ફરશે. ત્યારબાદ સામુહિક નવકારશી ભકિત સવારે ૯-૩૦ કલાકે જગતમાતા શ્રી મરૂદેવી માતાને આવેલ ૧૪ સ્વપ્નોના દર્શન સાથે સ્નાત્રપુજા મહારાષ્ટ્ર ભવનમાં ભણાવાશે. બપોરે સાધર્મિક ભકિત તથા પ્રવચન, સાંજે ચૌવિહાર ભકિત, પ્રભુદર્શન તેમજ પ્રભુભકિત વગેરે ધાર્મિક ક્રિયાઓ થશે. સકળ સંઘને ધર્મલાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. આ મહોત્સવને લઈને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આ મહોત્સવને લઈને શ્રાવકોમાં ભારે ધર્મોલ્લાસ છવાયો છે.