Get The App

આ વર્ષે પણ યુનિવર્સિટી મેદાનમાં થશે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી

Updated: Jun 10th, 2019


Google NewsGoogle News
આ વર્ષે પણ યુનિવર્સિટી મેદાનમાં થશે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી 1 - image

ભાવનગર, તા. 10 જુન 2019, સોમવાર

ભાવનગર સહિત દેશભરમાં આશરે છેલ્લા ચાર વર્ષથી વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આગામી દિવસોમાં યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. ભાવનગરમાં આગામી તા. 21 જુને યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. યોગ દિનના કાર્યક્રમની તૈયારી માટે આવતીકાલે મંગળવારે જિલ્લા કલેકટરે બેઠક બોલાવી છે. આ બેઠકમાં કાર્યક્રમ અંગેની સમીક્ષા કરવામાં આવશે.

શહેરની જિલ્લા કલેકટર કચેરીના હોલ ખાતે આવતીકાલે મંગળવારે સાંજે 4 કલાકે જિલ્લા કલેકટર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને યોગ દિનની ઉજવણી અંગેની સમીક્ષા બેઠકનુ આયોજન કરવામાં આવેલ છે. આગામી તા. 21 જુને વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે ઠેર ઠેર યોગના કાર્યક્રમનુ આયોજન કરાશે.

યોગ દિનની ઉજવણીની તૈયારી અંગેની બેઠકમાં સરકારી અધિકારી-કર્મચારીઓ હાજર રહેશે અને વ્યવસ્થા સહિતની બાબતે ચર્ચા-વિચારણા કરશે તેમ સુત્રોએ જણાવેલ છે. આ બેઠકમાં બાદ યોગ દિનની તૈયારીનો ધમધમાટ શરૂ થશે. અધિકારી-કર્મચારીઓને કાર્યક્રમમાં જુદી જુદી કામગીરી માટે જવાબદારી સોંપવામાં આવશે.

ભાવનગર શહેર અને જિલ્લામાં શાળા, કોલેજ, જુદી જુદી સંસ્થા સહિતના સ્થળે યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના મેદાન ખાતે જિલ્લાકક્ષાના યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સરકારી અધિકારી-કર્મચારી, રાજકીય અગ્રણી-કાર્યકર, શાળા-કોલેજના વિદ્યાર્થી, જુદી જુદી સંસ્થાના સભ્યો બહોળી સંખ્યામાં ભાગ લેતા હોય છે. ચાલુ વર્ષે પણ કદાચ ભાવનગર યુનિવર્સિટીના મેદાન ખાતે જ જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે તેમ જણાય રહ્યુ છે. યોગ દિનની ઉજવણીના પગલે યોગાસન પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Google NewsGoogle News