For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વર્ષ 2019 ની ચૂંટણીની સરખામણીએ આ વખતે NOTAમાં વધુ મત પડવાની શક્યતા

Updated: May 7th, 2024

વર્ષ 2019 ની ચૂંટણીની સરખામણીએ આ વખતે NOTAમાં વધુ મત પડવાની શક્યતા

- ગત ચૂંટણીમાં ભાવ. બેઠક પર 18,392 મત NOTAમાં પડયા હતાં

- ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારી અને 'પેટન્ટ' પર રાજકીય પક્ષોની નજર, ગ્રામ્ય વિસ્તારો પર પોલીસની વોચ

ભાવનગર : ક્ષત્રિયોનું પ્રભુત્વ ધરાવતી ભાવનગર લોકસભા બેઠક પર આ વખતે ચૂંટણી જંગ બરોબરનો જામ્યો છે. આ વખતે ચૂંટણીમાં સરેરાશ મતદાનને લઇ રાજકીય પક્ષો ચિંતાતૂર છે તેવામાં આ વખતે સર્જાયેલા ચૂંટણીલક્ષી વાતાવરણને લઇ નોટામાં ગત ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની સરખામણીએ વધુ મત પડવાની શક્યા વધી છે.

૨૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ યોજાયેલી ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં સરેરાશ ૫૮.૮૯ ટકા જેટલું મધ્યમ મતદાન થયું હતું. આ નોંધાયેલા મતદાન પૈકી ૧૮,૩૯૨ મતદારોએ રાજકીય પક્ષોને મત આપવાના બદલે None Of Thim Above (NOTA)ને મત આપ્યો હતો. આ ચૂંટણીમાં નોંધાયેલ મતદાન પૈકી ૧.૫૭ ટકા મત NOTAમાં પડયા હતાં. આ ચૂંટણીની સરખામણીએ આ વખતે શરૂઆતથી જ લોકસભા ચૂંટણીનો એક અલગ માહોલ સર્જાયેલો છે. તેવામાં રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરૂદ્ધના વિવાદીત નિવેદનના કારણે હાલ ક્ષત્રિય સમાજ રૂપાલા સહિત સમગ્ર ભાજપ સામે ખુલ્લીને વિરોધ નોંધાવી રહ્યો છે. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મહત્તમ મતદાનની સરાજાહેર જાહેરાત કરતાં ભાજપમાં આ મુદ્દો ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. જો કે, ક્ષત્રિય સમાજે ભાજપ વિરોધી મતદાનમાં અન્ય સમાજ પણ તેમની સાથે હોવાના કરેલાં દાવાને લઇ ભાજપની ચિંતા બેવડાઇ છે. જાણકારોના મત મુજબ, આ વખતે પ્રવર્તમાન રાજકીય પ્રચારી પરિસ્થિતિ જોતાં આ વખતે NOTAમાં ગત ચૂંટણીની સરખામણીએ વધુ મત પડવાની શક્યતા છે. જો કે, મતગણતરીના દિવસે જ આ શક્યતાઓ અને અટકળોને યથાર્થના મળશે તે ટાંકવું જરૂરી છે.

બીજી તરફ, ભાવનગર લોકસભા બેઠક ગોહિલવાડ પંથક તરીકે પ્રખ્યાત હોવાથી આ બેઠક પર ક્ષત્રિય મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. શહેરની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય મતદારોની સંખ્યા વધુ હોવાથી આ વખતે ગ્રામ્ય વિસ્તારમાં થનાર મતદાનની ટકાવારી અને 'પેટન્ટ' પર રાજકીય પક્ષોએ નજર ટેકવી હોવાનું જાણવા મળેલ છે. જો કે, પોલીસ અને IB વિભાગે ગોહિલવાડના ગ્રામ્ય વિસ્તારો પર ખાસ વોચ રાખી હોવાનું પણ જાણવા મળેલ છે.

Gujarat