ધોળા દિવસે એકસાથે બે બંધ મકાનમાં ચોર ત્રાટક્યા, 4.81 લાખની ચોરી

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
ધોળા દિવસે એકસાથે બે બંધ મકાનમાં ચોર ત્રાટક્યા, 4.81 લાખની ચોરી 1 - image


કોઠારીયા સોલવન્ટ પાસેની શિવશક્તિ સોસાયટીની ઘટના

આજી ડેમ પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યુંસીસીટીવી કેમેરાના આધારે તસ્કરની ઓળખ મેળવવા તજવીજ

રાજકોટ :  કોઠારીયા સોલવન્ટ પાસેની શિવશક્તિ સોસાયટી શેરી નં. ૧માં આવેલા બે બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૃા. ૪.૮૧ લાખની મત્તાની ચોરી કરી ગયાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવી કેમેરાના આધારે સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું છે.

શિવશક્તિ સોસાયટી શેરી નં. ૧માં રહેતા મંગુબેન લાખાભાઈ ખાટરીયા (ઉ.વ.૪૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે કારખાનામાં મજૂરી કરે છે. પતિ, પુત્ર અને પુત્રવધૂ પણ કારખાનામાં મજૂરી કરે છે.ત્રણ પુત્રીઓ છે જે સાસરે છે. ગઇકાલે તા. ૧૮ના રોજ સવારે પરિવારના ચારેય સભ્યો કારખાના પર કામે જતા રહ્યા બાદ સાંજે પાડોશી મયુરભાઈએ કોલ કરી મકાનમાં ચોરી થયાની જાણ કરી હતી.

જેથી તત્કાળ ઘરે આવી જોતા ડેલી ખુલ્લી મળી હતી. રૃમનું તાળુ તૂટેલ હતું. અંદરનો સામાન વેરવિખેર પડયો હતો. રૃમમાં આવેલા લાકડાના કબાટના દરવાજા ખુલ્લા હતાં.તેનો લોક પણ તૂટેલો હતો. તેમાંથી તસ્કરો સોનાનો હાર, સોનાની મરઘલી, સોનાની બૂટી, સોનાની કાનની નખલી, સોનાના નાકના દાણા, ચાંદીનું કડુ, ચાંદીના સાંકળા અને રોકડ રકમ ચોરી ગયા હતા.

ખરેખર રોકડ રકમ કેટલી હતી તેની જાણ નથી. પાડોશમાં રહેતા મયુરભાઈ કનુભાઈ લખલાણીના મકાનમાંથી પણ તસ્કરો રૃા. ૧.૨૬ લાખની કિમતના સોના-ચાંદીના દાગીના અને રૃા ૨૦ હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતા.

આજી ડેમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ આગળ ધપાવી છે. જો કે પ્રાથમિક તપાસમાં પોલીસને તસ્કરોના કોઇ સગડ મળ્યા નથી. 


Google NewsGoogle News