યાત્રાધામ સોમનાથ જવા વેરાવળ સુધી જ ટ્રેન મળશે
- સોમનાથ સ્ટેશન પર રિ-ડેવલપમેન્ટનું કામ ગતિમાં
- 1 લી ઓગસ્ટથી સોમનાથથી ઉપડતી અને જતી તમામ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ
ભાવનગર રેલવે ડિવિઝનના સોમનાથ સ્ટેશનમાં રિ-ડેવલપમેન્ટનું કામ શરૂ કરાયું છે. રેલવે સ્ટેશનને સોમનાથ મહાદેવ મંદિર જેવો જ આબેહૂબ લૂક આપવા માટે પુનઃ વિકાસની કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે રેલવે વહીવટી તંત્ર દ્વારા આગામી તા.૧-૯ને ગુરૂવારથી સોમનાથ સ્ટેશન સુધીની તમામ ટ્રેનોને વેરાવળ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમનાથથી ઉપડતી ટ્રેનો હવે ૧લી સપ્ટેમ્બરથી વેરાવળ સ્ટેશન સુધી જ દોડશે. વધુમાં ૩૧મી સુધી ટ્રેનોની સોમનાથ સ્ટેશન સુધી પરિચાલનની કામગીરી હજુ શરૂ રહેશે તેમ ભાવનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ભાવનગર-વેરાવળ વચ્ચે ઘણાં વર્ષોથી ટ્રેન વ્યવહાર બંધ છે. સોમનાથ જવા માટે યાત્રિકો ઓખા ટ્રેનમાં રાજકોટ તેમજ બાંદ્રા ટ્રેનમાં સુરેન્દ્રનગર થઈ વાયા સોમનાથ પહોંચે છે.