Get The App

ભાવનગર જિલ્લામાં ફટાકડા સ્ટોલ માટે 320 અરજી આવી

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
ભાવનગર જિલ્લામાં ફટાકડા સ્ટોલ માટે 320 અરજી આવી 1 - image


- ફટાકડાના વેચાણ અને સ્ટોલ માટે હજુ 8 દિવસ અરજી કરી શકાશે 

- અંતિમ દિવસોમાં ફટાકડા સ્ટોલની મંજુરી માટે ઘણી અરજીઓ આવશે : જવાહર મેદાનમાં સ્ટોલ ભાડે અપાશે 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ફટાકડાના વેચાણ તથા સ્ટોલ માટે મંજુરી લેવી ફરજીયાત છે, અત્યાર સુધીમાં આશરે ૩ર૦ અરજી આવી હોવાનુ જાણવા મળેલ છે. આગામી તા. ૧૪મી સુધીમાં ફટાકડાના વેચાણ અને સ્ટોલ માટે અરજી કરી શકાશે. મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ અરજી સ્વિકારાશે નહી. દર વર્ષની જેમ શહેરના જવાહર મેદાનમાં ફટાકડા સ્ટોલ માટે જગ્યા અપાશે.  

શહેર-જિલ્લામાં ગત શનિવાર સુધીમાં ફટાકડા સ્ટોલ માટે આશરે ૩ર૦ અરજી આવી છે અને હજુ અરજી કરવા માટે ૮ દિવસનો સમય બાકી છે તેથી છેલ્લા દિવસોમાં ઘણી અરજી આવશે તેમ જણાય રહ્યુ છે. દિવાળી-૨૦૨૪ અંતર્ગત હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઇચ્છુક વેચાણકર્તાઓને તથા ફટાકડાનાં વેચાણ માટે જવાહર મેદાનમાં ભાડેથી જમીન અપાશે. આગામી તા. ૩૧ નવેમ્બર-૨૦૨૪નાં દિવાળીનાં તહેવારો દરમિયાન કામચલાઉ ફટાકડા વેચાણ માટેના પરવાનો મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓએ આગામી તા. ૧૪  ઓકટોબર-૨૦૨૪ સુધીમાં પાસપોર્ટ સાઇઝના ૨(બે) ફોટા, ધોરણસરની પરવાનાં ફી ભર્યાનું ચલણ તથા રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઈસન્સ પૈકી કોઇપણ બે આધારોની નકલો તથા ફટાકડા વેચાણની જગ્યાનાં નકશા સાથે નિયત નમુનામાં અરજી ફોર્મ રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતે રજુ કરવા રહેશે. 

ફટાકડા વેચાણ માટેનાં પરવાનો મેળવવાનું નિયત નમુનાનું અરજી ફોર્મ જાહેર રજા સિવાયનાં દિવસે કચેરી સમય દરમિયાન ડી.એમ.શાખા, કલેકટર, ભાવનગરમાંથી અને જવાહર મેદાનની જમીન ભાડેથી મેળવવા માટેનું નિયત નમુનાનું અરજી ફોર્મ મહેસૂલ શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતેથી રૂબરૂમાં મેળવી લેવાનું રહેશે અને નિયત અરજી ફોર્મ સાધનિક કાગળો સાથે રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતે તા. ૧૪ ઓકટોબર-૨૦૨૪ સુધીમાં જમા કરાવવાનું રહેશે. આ મુદત વિત્યા બાદ કોઇ પણ અરજી સ્વીકારવામાં આવશે નહી તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જણાવેલ છે. અંતિમ દિવસોમાં ઘણી ફટાકડા સ્ટોલ માટેની ઘણી અરજી આવશે તેમ ચર્ચાય રહ્યુ છે. 

મંજુરી વગર ફટાકડાના સ્ટોલ કે વેચાણ કરનાર સામે તંત્ર પગલા લેશે 

ભાવનગર શહેર અને જિલ્લામાં આગામી દિવાળી પર્વના ભાગરૂપે ફટાકડા સ્ટોલ માટે અરજી મંગાવવામાં આવી છે તેથી હાલ ફટાકડાના વેપારીઓ અરજી કરી રહ્યા છે. દિવાળી પર્વના થોડા દિવસ પૂર્વે ફટાકડા ધારકોને સ્ટોલ માટેની સત્તાવાર મંજૂરી આપવામાં આવશે પરંતુ મંજૂરી વગર ફટાકડાના સ્ટોલ કે વેચાણ કરનાર સામે સરકારી તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે તેમ સુત્રોએ જણાવેલ છે. 


Google NewsGoogle News