રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ભાવનગર શહેર અને જિલ્લાના ગેમ ઝોનમાં તપાસનો ધમધમાટ

Updated: May 27th, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ભાવનગર શહેર અને જિલ્લાના ગેમ ઝોનમાં તપાસનો ધમધમાટ 1 - image


- રાજકોટની ઘટના બાદ સરકારી તંત્ર જાગ્યુ, રાજ્ય સરકારની સૂચના મુજબ શહેર અને જિલ્લામાં કમિટીની રચના 

- કમિટિ તપાસનો રીપોર્ટ કમિશનર અને જિલ્લા કલેક્ટરને આપશે, નિયમનુ પાલન થતુ હશે તો જ ગેમ ઝોન શરૂ કરવા મંજૂરી અપાશે 

ભાવનગર : સરકાર તેમજ સરકારી તંત્ર ઘટના બને ત્યાર બાદ જ એકશનમાં આવે છે અને તેવુ જ હાલ જોવા મળી રહ્યુ છે. રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સરકાર અને સરકારી તંત્ર જાગ્યુ છે. રાજકોટની અગ્નિકાંડની ઘટનાના પગલે રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામેલ છે. આ અગ્નિકાંડની ઘટનામાં બાળકો સહિત ર૮ લોકોના મોત નિપજતા છે ત્યારે હવે સરકાર અને સરકારી તંત્ર સક્રીય થયા છે. રાજ્ય સરકારની સૂચના મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા શહેર અને જિલ્લાના ગેમ ઝોનમાં ફાયર સહિતના નિયમનુ પાલન થાય છે કે નહીં ? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ તમામ ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે અને જે ગેમ ઝોનમાં નિયમનુ પાલન થતુ હશે તે ગેમ ઝોન આગામી દિવસોમાં શરૂ કરવા મંજૂરી અપાશે. 

રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સરકારની સૂચના મુજબ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં આવેલ ગેમીંગ ઝોન, હોટલ્સ, મોલ્સ, રેસ્ટોરન્ટ તથા બેન્કવેટ હોલ વગેરે જેવી જગ્યાઓ જયા નાગરિકો મોટા પ્રમાણમાં એકત્રીત થાય છે તેવી જગ્યાઓમાં ફાયર સેફટી અને તેને સંલગ્ન અન્ય બાબતોની ચકાસણી કરવા કમિટીની રચના કરવામાં આવી છે. મહાપાલિકાએ અધ્યક્ષ સહિત ૭ સભ્યની કમિટી બનાવી છે, જેમાં ચીફ ફાયર ઓફિસર, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ-ભાવનગર શહેર, કાર્યપાલક ઈજનેર-સીટી એકમ-૧,પી.જી.વી.સી.એલ., ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર/ ટાઉન પ્લાનીંગ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા, પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી., એસ.પી. કચેરી, ભાવનગર., નાયબ કાર્યપાલક ઈજનેર, (ઈલે.મીકે.) ભાવનગર મહાનગરપાલિકા ઈલેકટ્રીકલ ઈન્સ્પેકટર, ઈલેકટ્રીકલ ઈન્સ્પેકટરની કચેરી-ભાવનગર વગેેરેનો સમાવેશ થાય છે. 

મહાપાલિકાની કમિટીએ આજે રવિવારે શહેરના ગેમ ઝોનમાં તપાસ હાથ ધરી હતી અને ત્રણ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા હતા, જેમાં રંગોલી ફન પાર્ક-વરતેજ, આર.કે.પોલો ફન બ્લાસ્ટ-વરતેજ, ટેરોર ગેમ ઝોન-સંસ્કાર મંડળ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લામાં મહુવા ખાતે આવેલ એક ગેમ ઝોનને જિલ્લાની કમિટિએ બંધ કરાવેલ છે. શહેર અને જિલ્લાના તમામ ગેમ ઝોનમાં તપાસ કરી મહાપાલિકા કમિશનર અને જિલ્લા કલેક્ટરને રીપોર્ટ સોંપવામાં આવશે, જે ગેમ ઝોનમાં તમામ નિયમનુ પાલન થતુ હશે તે ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવશે તેમ સુત્રોએ જણાવેલ છે. 

શહેરના ત્રણ ગેમ ઝોનમાં તપાસ કર્યા બાદ સીલ મારવાની કાર્યવાહી કરાઈ, જિલ્લાના મહુવામાં ગેમ ઝોન બંધ કરાવ્યુ 

શહેર અને જિલ્લાની કમિટી શુ તપાસ કરશે ? તેની માહિતી 

ભાવનગર શહેર અને જિલ્લાના જે તે ગેમીંગ ઝોન તથા ઉપર જણાવેલ જાહેર સ્થળો ખાતે જરૂરી પરવાનગી/લાયસન્સ લેવામાં આવે છે કે કેમ? તે બાબતે પોલીસ વિભાગ તથા મહેસુલી અધિકારી ધ્વારા ચકાસણી કરવાની રહેશે. ચીફ ફાયર ઓફિસર ધ્વારા ગેમીંગ ઝોનમાં ક્ષેત્રફળ મુજબ મહત્તમ વહન ક્ષમતા જાહેરમાં નિર્દેશિત થયેલ છે કે કેમ ? તેની ચકાસણી કરવાની રહેશે. જો આમ કરવામાં આવેલ ન હોય તો તે તાત્કાલીક નકકી કરી તે મુજબ જાહેર જનતાને જાણ થાય તે રીતે પ્રદર્શિત કરાવવાની રહેશે. ચીફ ફાયર ઓફિસર, ટાઉન ડેવલમેન્ટ ઓફિસર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર ધ્વારા એસ્કેપ રૂટ / બહાર જવાના રસ્તા નિયત થયેલ છે કે કેમ ? તેમજ જરૂરી ફાયર સિસ્ટમ લગાડેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. ગેમીંગ ઝોનમાં લગાવેલ ઉપકરણો અનુસાર પાવરલોડ છે કે કેમ ? તેમજ લગાવેલ અન્ય ઈલેકટ્રીક સંસાધનો/કેબલ યોગ્ય છે કે કેમ ? તે બાબતે કાર્યપાલક ઈજનેર, પી.જી.વી.સી.એલ. ધ્વારા ચકાસણી કરવાની રહેશે તથા જો તે યોગ્ય ન હોય તો તે યોગ્ય કરાવવા બાબતે તાત્કાલીક કાર્યવાહી કરાવવાની રહેશે. નાયબ કાર્યપાલક ઈજનેર, મીકેનીકલ ધ્વારા મીકેનીકલ સાધનોની યોગ્યતા તથા કાર્યક્ષમતા ચકાસવાની રહેશે. ગેમીંગ ઝોનનું સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફીકેટ મહાનગરપાલિકા ધ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટ્રકચરલ એન્જીનીયર પાસેથી મેળવેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. ગેમીંગ ઝોન જે બિલ્ડીંગમાં આવેલ છે તે બિલ્ડીંગની બી.યુ. પરવાનગીની ચકાસણી કરવાની રહેશે. સી-જી.ડી.સી.આર. ની જોગવાઈઓ અનુસાર આગના સમયે યોગ્ય નિર્ગમન માર્ગની વ્યવસ્થા છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. ગેમીંગ ઝોન ધ્વારા ફાયર સેફટી સર્ટીફીકેટ મેળવેલ છે કે કેમ ? તેની ચકાસણી કરવાની રહેશે. ગેમીંગ ઝોનનાં તમામ સંચાલન સ્ટાફ, સીકયોરીટી સ્ટાફ તથા ઉપલબ્ધ સુવિધાનો લાભ લેતા તમામ સ્ટાફને ફાયર એક્ષ્ટીંગ્યુસર તથા ફાયર સાધનોની તાલીમ આપવાની રહેશે. વધુમાં, ઈલેકટ્રીકલ સેફટી એસેસમેન્ટ, ફાયર સેફટી એસેસમેન્ટ તથા ગેમીંગ ઝોનને સંલગ્ન અન્ય બાબતોની માહિતી આ સાથે સામેલ ચેકલીસ્ટમાં અલગથી આપવાની રહેશે.


Google NewsGoogle News