બરવાળામાં યુવાન ઉપર હુમલો કરી ધમકી અપાઈ
ખોટી અરજીઓ કેમ કરાવો છો ? તેમ કહેતા શખ્સ ઉશ્કેરાયો
ઠપકો આપવા ગયેલા યુવાનના મોટાભાઈને શખ્સનો ભત્રીજો તલવાર લઈ મારવા દોડયો, કાકા-ભત્રીજા સામે ફરિયાદ
ભાવનગર : બરવાળા શહેરમાં ખોટી અરજીઓ કેમ કરાવો છો ? તેમ કહેતા એક યુવાનને શખ્સે માર મારી ધમકી આપતા આ વાતને લઈ ઠપકો આપવા ગયેલા યુવાનના મોટાભાઈને શખ્સના ભત્રીજાએ તલવાર લઈ મારવા દોડી ધમકી આપી હતી.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બરવાળાના આંબેડકરનગરમાં રહેતા મુકેશભાઈ મોતીભાઈ સોલંકી ગત તા.૧૯-૩ના રોજ રાત્રિના સમયે ખોડિયાર મંદિર પાસે ચાલવા ગયા ત્યારે મયુર કાંતિભાઈ મુંઘવા નામના શખ્સને કહેલ કે, તમો અમારી ઉપર ખોટી અરજીઓ કેમ કરાવો છો ? તે વાતને લઈ ઉશ્કેરાઈ ગયેલા શખ્સે મુકેશભાઈને ગાળો દઈ ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. આ મારામારીના બનાવ અંગે મુકેશભાઈના મોટાભાઈ ડુંગરભાઈ સોલંકી શખ્સના મોટાભાઈ પંકજભાઈ મુંધવાના ઘરે જઈ ઠપકો આપવા જતાં તેમનો પુત્ર જલદીપ ઉર્ફે જીગો પંકજભાઈ મુંધવાએ તલવાર લઈ આવી મારવા દોડી જીવતા નહીં મુકીએ તેવી ધમકી આપી હતી.