કુંભારવાડાના યુવકને ખૂનની ધમકી મળતા ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
- ઉપાડ પેટે લીધેલા એક લાખની ઉઘરાણી કરી લાફા માર્યા
- ચુંદડી બાંધી લટકતા પહેલા મિત્રોને જાણ કરતા દોડી આવ્યા, યુવાનને હોસ્પિટલ ખસેડાયો
પ્રાપ્ત વિગત મુજબ મૂળ પાલિતાણાના ૫૦ વારિયા, ન્યાય કોર્ટની પાછળ અને હાલ કુંભારવાડા, મામાની દેરી પાસે, ક્ષત્રિય સમાજની વાડી પાછળ સીકંદરભાઈ સુમરાના મકાનમાં રહેતા અસલમભાઈ ઉસ્માનભાઈ આગરિયા (ઉ.વ.૨૦) એક વર્ષ પહેલા વાહિદ ભુરાભાઈ વરિયા (રહે, મેમણ કોલોની, ભરતનગર)ની બોલેરો પીકઅપમાં ડ્રાઇવિંગ કરતા હતા. ત્યારે દવાખાનાનું કામ આવી જતાં તેમણે વાહિદ પાસેથી ઉપાડ પેટે એક લાખ રૂપિયા લીધા હતા. હાલમાં તેઓ બીજા શેઠની ગાડી ચલાવતા હોય, ગઈ તા.૧૮-૦૮ના રોજ સવારે તેઓ કુંભારવાડા ફાટક પાસે આવેલ કે.કે. કોમ્પ્લેક્સની બાજુમાં એમ.કે. રોડલાઈન્સની ઓફિસમાં ગાડીનો હિસાબ આપવા ગયા હતા. તે દરમિયાન અઝર હનિફભાઈ શેખ (રહે, મેમણ કોલોની, ભરતનગર) નામના શખ્સે આવી વાહિદ પાસેથી ઉપાડ પેટે લીધેલા એક લાખની ઉઘરાણી કરી ગાળો આપી દઈ લાફા જીંકી ૨૪ કલાકમાં પૈસા નહીં આપે તો બન્ને સાથે મળી ખૂન કરી નાખીશું તેવી ધમકી આપી હતી. જેના કારણે યુવાનને મારી નાંખશે તેવો મનમાં ડર પેસી જતાં ઘરે એકલતાનો લાભ લઈ રૂમમાં ચુંદડી વડે ગળાફાંસો બાંધી મરી જવાના વિચાર કર્યા હતા. આ બાબતે તેણે તેના મિત્રને ફોન કરી જાણ કરતા ત્રણ મિત્રે દોડી આવી ગળાફાંસો ખાઈ મરવાનો પ્રયાસ કરનાર યુવાન અસલમભાઈને નીચે ઉતારી ૧૦૮ મારફત સર ટી.હોસ્પિટલ ખસેડયા હતા.
આ બનાવ અંગે અસલમભાઈ ઉસ્માનભાઈ આગરિયાએ વાહિદ ભુરાભાઈ વરિયા અને અઝર હનીફભાઈ શેખ સામે બોરતળાવ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બીએનએસની કલમ ૧૧૫ (ર), ૩૫૨, ૩૫૧ (ર), ૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.