Get The App

યુવાને આપેલી અઢી કરોડની રકમ પરત નહીં મળતાં આપઘાત કર્યો હતો

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
યુવાને આપેલી અઢી કરોડની રકમ પરત નહીં મળતાં આપઘાત કર્યો હતો 1 - image


રણછોડનગરમાં થોડા દિવસો પહેલા ગળાફાંસો ખાઈ લીધો હતો

રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ અને પૂણેના મળી સાત શખ્સો સામે નોંધાતો ગુનો ઃ મૃતક યુવાને ધંધામાંથી અને પર્સનલ લોન લઇ રકમ આપી હતી

રાજકોટ: રણછોડનગર સોસાયટીમાં અમૃતાલય એપાર્ટમેન્ટમાં રહેતા અને અટીકા ફાટક પાસે ભાગીદારીમાં લેસર કટીંગનો વેપાર કરતાં મૌલિક યોગેશભાઈ ઉર્ફે અશોકભાઈ બાબીયાએ થોડા દિવસો પહેલા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૌલિકે ૭ જેટલા શખ્સોને ધંધો કરવા માટે રૂા. ૨.૪૭ કરોડ આપ્યા હતાં. પરંતુ તેમણે નફો કે મૂડી પરત નહીં આપતાં મૃતકના પિતા યોગેશભાઈએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બી ડીવીઝન પોલીસે યોગેશભાઇ બાબીયા (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી રાહુલ સોની (રહે. અમદાવાદ), હુસેન મલિક (રહે. જૂનાગઢ), અજય રાઠોડ (રહે. રાજકોટ), પંકજ રાજા (રહે. સિટી સેન્ટરની પાછળ, રાજકોટ), આશિષ પરમાર (રહે. રાજકોટ), હર્ષિત શેઠ (રહે. રાજકોટ) અને સંતોષ સેન્ડકર (રહે. પૂણે) સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

યોગેશભાઈએ પોલીસને જણાવ્યું કે થોડા દિવસોથી તેનો પુત્ર મૌલિક ગુમસુમ રહેતો હોવાથી તેણે પૂછપરછ કરી હતી. જેમાં તેણે મેં બેન્કમાંથી અને પર્સનલ લોન લઇ મોટી રકમ મારા ઓળખીતા મિત્રોને ધંધા માટે આપી છે. આ શખ્સોએ સારો નફો આપીશું તેવો વિશ્વાસ આપ્યો હતો પરંતુ તેની પાસેથી અવારનવાર નફો અને મુદ્દલ મૂડી માગતા તેણે આપ્યા નથી અને બેન્કમાં પર્સનલ લોન ભરવાની થાય તે કઇ રીતે ભરપાઇ કરીશ તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ ગઇ તા. ૧૫-૬-૨૪ના તે તેના પત્ની સાથે નિત્યક્રમ પતાવી ચોકમાં બેસવા ગયા હતા. આ સમયે તેના પાડોશીએ ફોન કરી ઘરે આવવાનું જણાવતા તે ત્યા પહોંચ્યા હતા. જ્યાં તેનો પુત્ર મૌલિક બેડ પર સૂતેલી હાલતમાં જોવા મળ્યો હતો. પુત્રવધૂને પૂછતાં તેણે જણાવ્યું કે તે રૂમ સાફ કરવા માટે આવતા મૌલિક ગળાફાંસો ખાધેલી હાલતમાં હતા. જેથી ગભરાઈ તેણે પાડોશીને જાણ કરતાં તેમણે બંનેએ મૌલિકને નીચે ઉતારી બેડ પર સૂવડાવ્યો હતો. ૧૦૮ને જાણ કરાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

બીજી તરફ મૃતક મૌલિકે આપઘાત પહેલાં એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે આપેલા શખ્સો દ્વારા રૂપિયા પરત આપતા ન હોવાથી પગલું ભરવું પડયું છે તેમ જણાવ્યું હતું. જેમાં રાહુલ સોની પાસેથી ૯૫ લાખ, હુસેન મલિક પાસેથી ૨૦ લાખ, અજય રાઠોડ પાસેથી ૪૫ લાખ, પંકજ રાજા પાસેથી ૨૭ લાખ, આશિષ પરમાર પાસેથી ૨૫ લાખ, હર્ષિત શેઠ પાસેથી ૧૫.૫૦ લાખ, સંતોષ સેન્ડકર પાસેથી રૂા. ૨૦ લાખ મળી કુલ રૂા. ૨,૪૭,૫૦,૦૦૦ લેવાના હોવાનું જણાવ્યું હતું. 

હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ જારી રાખી છે.



Google NewsGoogle News