Get The App

ખોડીયાર ડેમ ભરાતા ગારિયાધાર અને પાલિતાણાના ગામોને સાવચેત કરાયા

Updated: Jul 18th, 2022


Google News
Google News
ખોડીયાર ડેમ ભરાતા ગારિયાધાર અને પાલિતાણાના ગામોને સાવચેત કરાયા 1 - image


- અમરેલીના ધારી ખોડીયાર ડેમનુ પાણી ભાવનગરના શેત્રુંજી ડેમમાં આવશે 

- રૂલ લેવલ જાળવવા માટે ખોડીયાર ડેમનો એક દરવાજો ખોલાયો, પાણીની આવક ધીમી 

ભાવનગર : અમરેલી જિલ્લાનો ખોડીયાર ડેમ આજે સોમવારે છલકાય ગયો છે તેથી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. આ ડેમ હેઠળ આવતા ભાવનગર અને અમરેલીના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ખોડીયાર ડેમ છલકાય ગયો છે તેથી તેનુ પાણી હવે ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં આવશે. હાલ વરસાદ નહી હોવાથી ખોડીયાર ડેમમાંથી પાણીની આવક ધીમી છે તેથી હજુ શેત્રુંજી ડેમમાં પાણીની આવક બંધ છે. આગામી દિવસોમાં વરસાદ પડતા શેત્રુંજી ડેમમાં પાણી આવશે. 

ભાવનગર જિલ્લાના શેત્રુુંજી નદી ઉપર આવેલ ખોડિયાર સિંચાઇ યોજનામાં પાણી પૂર્ણ સપાટીએ ભરાતાં રૂલ લેવલ જાળવવાં એક દરવાજો ૦.૨૪૫ મીટર ખોલવામાં આવ્યો છે. ખોડિયાર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં હેઠવાસના ગામોને સતર્ક રહેવાં તાકીદ કરવામાં આવી છે. અત્યારે ૬૪૫ ક્યુસેક્સ પાણીનો પ્રવાહ પસાર થઇ રહ્યો છે.  ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાના સરંભડા, ગુજરડા, જુના, મનાજી, રાણીગામ, સતાપરા, ઠાંસા અને પાલીતાણાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાળીયા (મનાજી), જીવાપુર, રાણપરડા અને રોહિશાળા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવાં ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવાં તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે.

અત્યારે જળાશયમાં પાણીનું હાલનું સ્તર ૨૦૨.૫૦ મીટર છે અને ૧,૦૨૩.૮૮ મીટર ઘનફુટ પાણીનો જથ્થો છે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર અને ફરજ પરના અધિકારી, ફ્લડ સેલ ભાવનગર સિંચાઇ યોજના, ભાવનગરે જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ર૭ ફૂટ ભરાયો છે. શેત્રુંજી ડેમ ૩૪ ફૂટે ઓવફલો થશે તેથી ડેમ હજુ આશરે ૭ ફૂટ ખાલી છે. અમરેલી જિલ્લાનો ખોડીયાર ડેમ ભરાય ગયો છે તેથી હવે પાણી શેત્રુંજી ડેમમાં આવશે. શેત્રુંજી ડેમ ચાલુ વર્ષે પણ છલકાય તેની લોકો આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.  

માલણ અને બગડ ડેમમાં પાણીની આવક શરૂ 

ભાવનગર જિલ્લાના બે ડેમમાં આજે સોમવારે પાણીની આવક શરૂ હતી, જેમાં માલણ ડેમમાં ર૧૭ કયુસેક અને બગડ ડેમમાં ર૧૧ કયુસેક પાણીની આવક હતી. બગડ ડેમ છલકાય ગયો છે તેથી ર૧૧ કયુસેક પાણીની જાવક પણ શરૂ છે. ભાવનગર અને બોટાદ જિલ્લાના અન્ય કોઈ ડેમમાં પાણીની આવક નથી તેમજ વરસાદે પણ વિરામ લીધો હોવાનુ સિંચાઈ વિભાગના કન્ટ્રોલ રૂમના સુત્રોએ જણાવેલ છે. 

Tags :
Gariadhar-and-PalitanaKhodiyar-damfilled

Google News
Google News