Get The App

ભર શિયાળે બહુચરાજી મંદિરે રસ રોટલી મહોત્સવની અનોખી પરંપરા યથાવત

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
ભર શિયાળે બહુચરાજી મંદિરે રસ રોટલી મહોત્સવની અનોખી પરંપરા યથાવત 1 - image


- બહુચરાજી માતાજીના મંદિરે ધામક કાર્યક્રમોની તડામાર તૈયારીઓ શરૂ 

- માઈભકતો દ્વારા ભકત વલ્લભ ભટ્ટ રચિત કલ્પતરૂ સમાન અખંડ આનંદના ગરબાની મહાધૂનની રમઝટ બોલાવાશે

ભાવનગર : પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૩ ડિસેમ્બરના રોજ ગોહિલવાડમાં આવેલા તમામ પ્રાચીન અને અર્વાચીન મળી કુલ ૧૫ થી વધુ નાના અને મોટા શ્રધ્ધેય બહુચરાજી માતાજીના મંદિરોમાં ભર શિયાળામાં પરંપરાગત રીતે રસ-રોટલી મહોત્સવની વર્ષોથી ચાલી આવતી માન્યતા અને પરંપરાની માઈભકતો દ્વારા ઉજવણી કરાશે.આ અવસરે યોજાનાર આનંદના ગરબાની અખંડ ધૂન, અન્નકુટ અને મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમોના આયોજનને લઈને માઈભકતો દ્વારા મંડપ ડેકોરેશન અને સુશોભન-શણગાર સહિતના કાર્યોની તડામાર તૈયારીઓ થઈ રહેલ છે.  

ગોહિલવાડમાં ઠેર-ઠેર લાખો માઈભકતોની અનન્ય શ્રધ્ધા અને આસ્થાના પ્રતિક સમાન બહુચરાજી માતાજીના મંદિરો આવેલા છે. તે પૈકીના પૌરાણિક એવા ભાવનગર શહેરના  રૂવાપરી દરવાજા પાસેના બાલા બહુચરાજી માતાજી મંદિર, વડવા ખડીયા કુવા પાસેના મંદિર, ડોન ચોક ખાતેનું માઈ મંદિર, ભાવનગર-મહુવા હાઈવે પર અધેવાડા પાસેનું બહુચરાજીધામ ઉપરાંત સિહોર તાલુકાના અગીયાળી ખાતે આવેલ પ્રાચીન બહુચરાજીધામ સહિતના માઈ મંદિરોમાં આગામી તા.૩ ડિસેમ્બરને મંગળવારે માગશર સુદ ૨ ના મહિમાવંતા મહાપર્વે રસ રોટલી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ઉપરોકત મંદિરોમાં આ નિમીત્તે માતાજીને ભરશિયાળે રસ રોટલીનો પ્રસાદ ધરાવાશે. આ સાથે વિશેષ પૂજન અર્ચન, અન્નકુટ,ગોખવિધિ,ભકત વલ્લભ ભટ્ટ રચિત અખંડ આનંદના ગરબાની ધૂન સહિતના કાર્યક્રમો યોજાશે. બહુચર બાવનીમાં દર્શાવાયા મુજબ નવાપુરા રહેતા અને માતાજીના પરમ ભકત એવા બે ભાઈઓની વ્હારે આવી બહુચરાજી માતાજી અને નારસંગવીરદાદાએ એ  સવંત ૧૭૩૨ના માગસર સુદ બીજે  ભર શિયાળામાં અશકય જણાતો મેવાડા જ્ઞાાાતિજનો માટે રસ રોટલીનો જમણવાર (નાત જમણવાર) કર્યો હતો. ભકત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ અનોખો પરચો પુર્યો હોય આ પરંપરાને જીવંત રાખવા માટે આગામી મંગળવારે માગશર સુદ બીજે ગોહિલવાડના તમામ બહુચરાજી માતાજીના મંદિરે માતાજીને રસ રોટલીનો પ્રસાદ (અન્નકુટ) ધરાવાશે.આ પરંપરા અનુસાર શહેરના રૂવાપરી દરવાજા, બાર્ટન લાયબ્રેરી પાસે આવેલા બાલા બહુચરાજી મંદિરે આગામી તા.૩ના આખો દિવસ અખંડ મહાધૂન યોજાશે તેમજ શહેરના વડવા ખડીયા કુવા બહુચર માતાજીના મંદિરે પણ  મંગળવારે અખંડ આનંદના ગરબાની ધૂન યોજાશે. આ ઉપરાંત અન્ય મંદિરોમાં પણ વિવિધ ધામક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. 


Google NewsGoogle News