ભર શિયાળે બહુચરાજી માતાજીના મંદિરે રસ રોટલી મહોત્સવની અનોખી પરંપરા યથાવત
- બહુચરાજી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાશે
- માઈભકતો દ્વારા ભકત વલ્લભ ભટ્ટ રચિત કલ્પતરૂ સમાન અખંડ આનંદના ગરબાની મહાધૂનની રમઝટ બોલાવાશે
ગોહિલવાડમાં ઠેર-ઠેર લાખો માઈભકતોની અનન્ય શ્રધ્ધા અને આસ્થાના પ્રતિક સમાન બહુચરાજી માતાજીના મંદિરો આવેલા છે. તે પૈકીના પૌરાણિક એવા ભાવનગર શહેરના રૂવાપરી દરવાજા પાસેના બાલા બહુચરાજી માતાજી મંદિર, વડવા ખડીયા કુવા પાસેનું મંદિર, ડોન ચોક ખાતેનું માઈ મંદિર ઉપરાંત ભાવનગર-મહુવા હાઈવે પર અધેવાડા પાસેનું બહુચરાજીધામ ઉપરાંત સિહોર તાલુકાના અગીયાળી ખાતે આવેલ પ્રાચીન બહુચરાજીધામ સહિતના માઈ મંદિરોમાં આવતીકાલ તા.૧૪ ફેબુ્રઆરીને ગુરૂવારે માગશર સુદ ૨ ના મહિમાવંતા મહાપર્વે રસ રોટલી મહોત્સવની ધામધૂમથી ઉજવાશે. ઉપરોકત મંદિરોમાં આ નિમીત્તે માતાજીને ભરશિયાળે રસ રોટલીનો પ્રસાદ ધરાવાશે. આ સાથે વિશેષ પૂજન અર્ચન, અન્નકુટ,ગોખવિધિ,ભકત વલ્લભ ભટ્ટ રચિત અખંડ આનંદના ગરબાની ધૂન સહિતના કાર્યક્રમો યોજાશે. બહુચર બાવનીમાં દર્શાવાયા મુજબ નવાપુરા રહેતા અને માતાજીના પરમ ભકત એવા બે ભાઈઓની વ્હારે આવી બહુચરાજી માતાજી અને નારસંગવીરદાદાએ એ સવંત ૧૭૩૨ના માગસર સુદ બીજના ભર શિયાળામાં અશકય જણાતો મેવાડા જ્ઞાાતિજનો માટે રસ રોટલીનો જમણવાર (નાત જમણ) કર્યો હતો. ભકત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ અનોખો પરચો પુર્યો હોય આ પરંપરાને જીવંત રાખવા માટે આવતીકાલ માગશર સુદ બીજે ગોહિલવાડના તમામ બહુચરાજી માતાજીના મંદિરે માતાજીને રસ રોટલીનો પ્રસાદ (અન્નકુટ) ધરાવાશે.આ પરંપરા અનુસાર શહેરના રૂવાપરી દરવાજા, બાર્ટન લાયબ્રેરી પાસે આવેલા બાલા બહુચરાજી મંદિરે આવતીકાલ તા.૧૪ના સવારે ૮ કલાકથી સાંજે ૭ સુધી અખંડ મહાધૂન યોજાશે તેમજ શહેરના વડવા ખડીયા કુવા બહુચર માતાજીના મંદિરે આવતીકાલે ગુરૂવારે સવારે ૯ થી રાત્રે ૧૨ સુધી અખંડ આનંદના ગરબાની ધૂન યોજાશે. આ ઉપરાંત અન્ય મંદિરોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.