સ્વામિનારાયણ સંપ્રદાયમાં 200 થી વધુ વર્ષથી શાકોત્સવની પરંપરા યથાવત
- ગોહિલવાડમાં શાકોત્સવના યોજાઈ રહેલા કાર્યક્રમો
- શાકોત્સવ એટલે લોયાની સ્મૃતિ અને હવે તો સંપ્રદાય માટે એક વિશિષ્ઠ પરંપરા સમાન બની ગઈ
શિયાળાની ઋુતુના રાજા ગણાતા રીંગણાનું આ ઋતુમાં ધૂમ વેચાણ થાય છે. આ સિઝન દરમીયાન ભરેલા રીંગણા, ભડથુ અને ઓળાનો ટેસ્ટ જ કંઈક અનોખો હોય રીંગણાની શિયાળાના સ્વીટ તરીકે પણ ગણના થાય છે. શ્રધ્ધેય સ્વામિનારાયણ ભગવાને આજથી ૨૦૦ થી વધુ વર્ષ પુર્વે સવંત ૧૮૭૯ ની સાલમાં પોષી પુર્ણિમાના અવસરે લોયા ગામમાં શ્રીજી મહારાજના ૫રમ સખા સુરાબાપુ ખાચરના દરબારમાં તેમની સાથે ૫૦૦ પરમહંસો અને હજાર હરિભકતોના સમુદાય માટે બે મહિના સુધી૧૨ મણ ઘીનો વઘાર મુકીને ૬૦ મણ રીંગણાનું શાક બનાવીને સંતો અને ભકતોને ભાવથી જમાડયા હતા ત્યારથી શાકોત્સવની શરૂઆત થઈ હતી. શાકોત્સવ એટલે લોયાની સ્મૃતિ અને હવે તે સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક વિશિષ્ઠ પરંપરા બની ગઈ હોય ગોહિલવાડના સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં પ્રતિ વર્ષે શિયાળાની ઋુતુ દરમીયાન રીંગણાને માધ્યમ બનાવીને શાકોત્સવ ઉજવાય છે. શાકોત્સવની સાથે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ખાસ કરીને સત્સંગસભા કે ઘરસભા પણ યોજાય છે. આ વેળા સંપ્રદાયના વરિષ્ઠ સંતગણની નિશ્રામાં કથા વાર્તા,અખંડ ધૂન અને સત્સંગ યોજાય છે. ત્યારબાદ તમામ હરિભકતો અને સત્સંગીઓ માટે શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે