સિહોરમાં રાતોરાત ખડકાયેલા દબાણો સામે તંત્રના આંખ આડા કાન

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
સિહોરમાં રાતોરાત ખડકાયેલા દબાણો સામે તંત્રના આંખ આડા કાન 1 - image


- દબાણને લઈને તહેવારમાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે 

- નગરપાલિકા દબાણકર્તાઓનો માલ-સામાન કબ્જે લઈ, દંડની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ

સિહોર : સિહોર નગરપાલિકા દ્વારા પોલીસ પ્રોટેકશન સાથે મેઈન બજારમાં મોટા પાયે ડિમોલીશન તો હાથ ધરાયુ હતુ. બાદ રાતોરાત દબાણો જે તે સ્થળોએ પુનઃ બેરોકટોકપણે ખડકાઈ જતા સ્થાનિકો માટેનો શિરદર્દ સમાન ટ્રાફિકનો પ્રશ્ન યથાવત રહ્યો છે. 

સિહોરમાં નગરપાલિકા દ્વારા શહેરના વડલા ચોકથી મોટા ચોક સુધીની મેઈન બજારમાં જેવા કે, સરકારી દવાખાનાથી આગળના ભાગે પટેલ બિલ્ડિંગ સુધી તેમજ ખોડિયાર કોમ્પલેક્ષ, ગાંધી કોમ્પલેક્ષ, ફૂવારા આજુબાજુ તેમજ ડો.આંબેડકર ચોકમાં તથા ડેલાની અંદરના ભાગે બજારથી સિહોરી માતાના મંદિર તરફ જવાના રસ્તે અને ઉભી બજાર મોટા ચોક સુધી ગેરકાયદેસર રીતે બ્લોકો નાખી મસમોટા દબાણો અને માંડવાઓ ઉભા કરી વેપારીઓ દ્વારા ૧૦ થી ૧૨ ફૂટ સુધી માલસામાન ગોઠવી દેવામાં આવતો હતો.તેમજ ગેરકાયદેસર કેબીનો, લારીઓવાળા રોડ ઉપર જ બેફામ ઉભા રહેતા ટ્રાફિકને અડચણરૂપ રહેતા આવા અનેક દબાણો બે દિવસ પહેલા સિહોર નગરપાલિકાના ચિફ ઓફિસર તથા સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર ધસી જઈ આવા અનેક દબાણો હટાવવામાં આવ્યા હતા. પરંતુ બીજા દિવસે રવિવારની રજાના દિવસે ઉપરોકત તમામ ડિમોલીશનના સ્થળોએ દુકાનધારકો દ્વારા રાતોરાત આ બ્લોક, ઓટલાઓ ફિટ કરી દઈને પાછા માંડવાઓ અને માલસામાન ૧૦ થી ૧૨ ફૂટ ગોઠવી દેવામાં આવતા સોસાયટીઓમાં અને ગામડાઓમાંથી શહેરમાં ખરીદી માટે આવતા ટુ વ્હીલર્સના ચાલકોને વાહનો કયા પાર્ક કરવા તેની પણ મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. એકબાજુ દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા હોય ત્યારે ઉપરોકત સ્થળોએ  ટ્રાફિક સમસ્યા વધુ જટિલ બની જશે. આથી ચિફ ઓફિસર અને સ્ટાફે પોલીસ પ્રોટેકશન સાથે મેઈન બજારમાં પાછા ખડકાઈ ગયેલા દબાણોના માલીકો પાસેથી દંડની કાર્યવાહી કરી માલસામાનનો કબ્જો લઈ લેવો જોઈએ 

લીલાપીર વિસ્તારના દબાણો સામે કાર્યવાહી કયારે થશે

સિહોરથી ટાણાના રોડ પર લીલાપીર સુધી આવા અનેક કેબીનો, માંડવાઓ, છાપરાઓ નાખી મસમોટા ગેરકાયદેસર દબાણો સામે હજુ સુધી કેમ કાર્યવાહી કરાઈ નથી તેવો સવાલ લોકોમાં પુછાઈ રહ્યો છે. 


Google NewsGoogle News