બરવાળા હાઇ-વેના તમામ દબાણ દુર કરવા તંત્રએ અલ્ટીમેટમ આપ્યું
- 24 કલાકમાં દબાણ દુર કરવા આદેશ અપાતા ફફડાટ
- દબાણકર્તાઓને ત્રીજીવાર નોટિસ અપાઇ : 20 દિવસથી દબાણનો મામલો ચર્ચામાં
આર એન્ડ બી વિભાગ દ્વારા હાઇવે રોડ પરના તમામ દબાણકારોને રોડના મધ્યબિંદુથી ૧૪ મીટરની હદમાં આવતા તમામ દબાણો દુર કરવા માટે બે વખત નોટિસ આપવામાં આવી છે. આર એન્ડ બી ની નોટિસ અપાયા બાદ બરવાળા નગરપાલિકા દ્વારા પણ નોટિસો આપવામાં આવતા હાઇવે રોડની હદની મર્યાદા બહાર નાના-નાના ધંધા રોજગાર લઇને બેઠેલા ટકે ટકનું પેટીયુ રળી ખાતા નાના લોકોમાં રોષ ફેલાયો છે. બરવાળા નગરપાલિકાએ માત્ર રોડની નજીકના દબાણકારોને નોટિસ આપેલ છે પરંતુ નગરપાલિકાની હદમાં આવતા તમામ દબાણકારોને નોટિસ આપેલ નથી જેથી મામલો ગરમાયો છે અને નોટિસ મળેલ દબાણકારો કહે છે કે પહેલા બીજાના દબાણો દુર કરો તો અમે નગરપાલિકાની હદમાં આવેલ અમારા દબાણો સ્વૈચ્છીક દુર કરીશું. હાલ તંત્ર અને દબાણકારો બંનેએ પોત પોતાના કાયદાકીય અને રાજકીય હથિયારો સજ્જ કરી લીધા છે. તંત્ર કોઇપણ ભોગે દબાણ દુર કરવા મક્કમ છે. જ્યારે દબાણકારો દબાણ હટાવવા કોઇપણ ભોગે તૈયાર નથી.
દબાણકારોનું કહેવું છે પહેલા નગરમાં રાજકિય આગેવાનો દ્વારા થયેલ દબાણ દુર કરો પછી અમે અમારા દબાણ દુર કરી દેશું. આમ હાઇવે પર આશરે બસ્સો જેટલા લોકો ધંધા રોજગાર લઇને બેઠા છે જેઓ છેલ્લા વીસ દિવસથી ચિંતિત છે. કલેક્ટરના આદેશ બાદ દબાણ હટે છે કે નહીં ? તે જોવું રહ્યું.