ઉમરાળાથી ચોગઠ-ચમારડીના રોડની બિસ્માર હાલત અંગે તંત્ર બેદરકાર
- રોડની કામગીરી કથિત વહિવટી પળોજણમાં અટવાયું
- તાલુકાની ગ્રામ પંચાયતો અને લોક પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને રજુઆત કરવા તજવીજ હાથ ધરી
ઉમરાળા પંથકના મોટા ભાગના રોડની હાલત દયનીય થઈ ગઈ છે. તાલુકાના રોડની અત્યંત બિસ્માર હાલત અને લોકોની મુશ્કેલીઓ અંગે વખતોવખત થતી રજૂઆતોની પણ જવાબદાર તંત્ર પર અસર થતી નથી. રોડનું કામ કોન્ટ્રાક્ટ,પેટા કોન્ટ્રાકટ અને પેટાના ય પેટા કોન્ટ્રાક્ટની કથિત વહીવટી પળોજણમાં અટવાઈ રહ્યાનું કહેવાય છે. બીજી બાજુ જિલ્લા મથકથી અવર-જવર કરવાની જરૂરિયાતવાળા સમગ્ર તાલુકાના આબાલવૃધ્ધ ગ્રામજનો પરેશાન થતા રહે છે.લોકોના જાગૃત પ્રતિનિધિએ આ પ્રશ્ને જવાબદાર તંત્રવાહકોને રજૂઆત કરતા સરકારે આવા રોડના કામ પૂરાં કરવાની અવધિ ૯૦ દિવસથી વધારીને ૧૧ મહિના કરી તેથી કામ ચાલુ કરવા તાકીદ કરવા તંત્ર ટૂંકું પડતું હોવાનો જવાબ મળતો હોવાની અને કામ રાખનાર એજન્સી કે પેટા એજન્સીને રજૂઆત કરે તો ઉડાઉ જવાબ મળતો હોવાની રજુઆત કરનારની ફરિયાદ છે. આથી આ રોડના પ્રશ્ને હવે રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરવા પંથકની કેટલીક ગ્રામ પંચાયતો અને લોકપ્રતિનિધિઓએ તૈયારીઓ શરૂ કરી હોવાનું ગ્રામજનોમાંથી જાણવા મળ્યું છે.