જૂનાગઢ અને પોરબંદરમાં સ્ટેટ જીએસટી વિભાગ તપાસ કરશે
- સેન્ટ્રલ જીએસટીએ 4 બોગસ પેઢીઓ ઝડપ્યા બાદ
- સ્ટેટ જીએસટી વિભાગ નોંધાયેલી પેઢીઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે, ગેરરીતિ ઝડપાશે તો કાર્યવાહી થશે
ભાવનગર સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા ગત તા.૧૪મી ઓગસ્ટના રોજ જૂનાગઢ અને પોરબંદરમાંથી ઈમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે જોડાયેલી ચાર બોગસ પેઢી ઝડપી પાડવામાં આવી હતી. આ પેઢીઓ દ્વારા ઈનવર્ટેડ ડયૂટી ટેક્સ સ્ટ્રક્ચર હેઠળ કુલ રૂ.૯.૪૧ કરોડનો દાવો કરી રૂ.૬.૭૧ કરોડનું રિફન્ડ મેળવી લીધું હતું. જૂનાગઢ અને પોરબંદરમાં ઝડપાયેલી ચાર બોગસ પેઢીનો માસ્ટરમાઈન્ડ મોરબીનો સીએ હતો. જેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યું હતો. સેન્ટ્રલ જીએસટીના આ ઓપરેશન બાદ હવે સ્ટેટ જીએસટી પણ હરકતમાં આવ્યું છે. જૂનાગઢ સ્ટેટ જીએસટીના જોઈન્ટ કમિશનરનો ચાર્જ હાલ ભાવનગર સ્ટેટ જીએસટીના જોઈન્ટ કમિશનર ધર્મજીત યાજ્ઞિાક પાસે છે. જૂનાગઢ ડિવિઝન હેઠળ આવતા જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં અંદરખાને ચાલતી બોગસ બિલિંગની પ્રવૃત્તિને અટકાવવા અને બોગસ પેઢીઓ શોધવા સ્ટેટ જીએસટી વિભાગ પણ પેઢીઓ અને તેના વ્યવહારોની તપાસ કરી રહ્યું છે અને આ તપાસમાં કોઈ બોગસ પેઢી કે બિલિંગની પ્રવૃત્તિ ઝડપાશે તો કાર્યવાહી થશે. આગામી દિવસોમાં જૂનાગઢ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં ચાલતી બોગસ પેઢી કે બોગસ બિલિંગની પ્રવૃત્તિ ઉજાગર થાય તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.