ગુજરાતમાં સિહોર, ટાણા, મહુવા, બોટાદ અને બરવાળામાં નીકળશે જગતના નાથની ભવ્ય રથયાત્રા

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં સિહોર, ટાણા, મહુવા, બોટાદ અને બરવાળામાં નીકળશે જગતના નાથની ભવ્ય રથયાત્રા 1 - image


Rathyatra Gujarat News | પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર જિલ્લાના સિહોર, ટાણા, મહુવા ઉપરાંત બોટાદ શહેરમાં તેમજ ગઢડા (સ્વા.) ખાતે અષાઢી બીજના પાવનકારી મહાપર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉત્સાહભર્યા વાતાવરણમાં  નિકળશે. આ રથયાત્રાના  આયોજનને લઈને સ્થાનિક આયોજક સંસ્થાઓ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સિહોરમાં આવતીકાલ તા.૭ જુલાઈને રવિવારે સિહોરમાં ઠાકરદ્વારા મંદિરેથી સવારે ૮ કલાકે પ્રસ્થાન કરશે. ત્યાંથી વખારવાળા ચોક,બજાર,બસ સ્ટેશન બપોરે રેલવે સ્ટેશન રોડ, પાબુજી મંદિરે વિરામ, પ્રસાદ બાદ ખાડીયા,ભાવનગર રોડ, મેઈન બજારમાં થઈને સાંજે મોટા ચોક થઈને નીજ મંદિરે પરત ફરશે. આ સાથે રાજીવનગરમાંથી આજે સવારે ૯ કલાકે વેલનાથ યાત્રા નિકળશે.જે વડલા ચોક થઈને જુના સિહોરના વેલનાથ મંદીરે બપોરે પ્રસાદ લેશે. બાદ યાત્રાનું વિસર્જન થશે.

ઉપરાંત સિહોર તાલુકાના ટાણા ખાતે આવેલા રામજી મંદિરેથી પણ જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે. જે ટાણાની વિવિધ બજારોમાં ફરશે. આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક ડીવાય.એસ.પી., બે પી.એસ.આઈ.,પોલીસ, હોમગાર્ડઝ તથા એસ.આર.પી.ની એક ટુકડી દ્વારા સખ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે.જયારે મહુવા સમસ્ત હિન્દુ સમાજ પ્રેરિત તથા જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા અષાઢીબીજના પર્વે આવતીકાલ તા.૭ ને રવિવારે મહુવામાં સવારે ૯ કલાકે મહુવાના જગન્નાથજીના મંદિરેથી રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે. જે મોતીચોક, કેબીનચોક, વાછડાવીર, ડોકટર સ્ટ્રીટ, વાસીતળાવ, ખાદી ભંડાર, ગાર્ડન રોડ, શિવાજી ચોક, જનતા પ્લોટ, મગનભાઈના પુતળા પાસે થઈને ઠાકર મંદિર, વિકટર રોડ, બારપરા અને લાતીબજાર થઈ નિજ મંદિરે વિરામ પાળશે. આ અવસરે મંગળદાસ રતિલાલ રાઠોડ પરિવાર દ્વારા શિવાજી ચોક ખાતે મોસાળુ રાખેલ છે. 

આ ઉપરાંત બોટાદમાં પણ નીત્યક્રમ મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનુું આયોજન કરાયેલ છે. બરવાળામાં આવતીકાલે અષાઢી બીજ તા.૭ જુલાઈને રવિવારે જગન્નાથ રથયાત્રા સમિતિ અને હિન્દુ યુવક સંગઠનના સંયુકત ઉપક્રમે લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ જગદેવદાસજી મહારાજની રાહબરી નીચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળશે. ૫૦ થી વધુ ટ્રેકટરોમાં સુશોભિત રામાયણ અને મહાભારતના ફલોટસ સાથેની આ શોભાયાત્રા નગરમાં વાજતે ગાજતે ફરશે. ભગવાન જગન્નાથજી નૂતન રથમાં બીરાજી નગરચર્યાએ નિકળશે. સવારે ૬-૩૦ કલાકે પૂજન કરાશે. સવારે ૭-૩૦ કલાકે લક્ષ્મણજી મંદિરેથી રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે. સવારે ૯-૩૦ કલાકે રામજી મંદિરે પુજા આરતી કરાશે.બાદ રોકડીયા હનુમાનજી મંદિરે મોસાળુ તથા પૂજા આરતી કરાશે.આ રથયાત્રા મેઈન બજાર, પાટશેરી, મોચી બજાર, રોજદ દરવાજા, રોકડીયા મંદિર, કેશવનગર, મોટી શેરી, બસ સ્ટેન્ડ, કૃષ્ણ હાઉ.સોસાયટી, ભરવાડ શેરી થઈ બપોરે ૩-૩૦ કલાકે કાશીદાસબા૫ુની દેરી ખાતે પુર્ણ થશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. 

ગઢડામાં આજે દબદબાભેર જગન્નાથજીની 31 મી રથયાત્રા યોજાશે

ગઢડા(સ્વા.)માં જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજિત અષાઢી બીજની જગન્નાથજીની રથયાત્રા ઉત્સાહના વાતાવરણ વચ્ચે યોજાશે. આ રથયાત્રાને ભવ્ય અને રંગદર્શી બનાવવા માટે શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વિવિધ મંડળો તેમજ રથયાત્રા સમિતિના કાર્યકરો તરફથી અભૂતપૂર્વ ઉત્સાહ સાથે તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. આવતીકાલે અંબાજી ચોક, મઘરપાટ ખાતેથી સંતો તેમજ મહાનુભાવોના હસ્તે રથયાત્રાનો પ્રારંભ કરાશે.આ રથયાત્રા રવિવારે બપોરે ૨કલાકે અંબાજી ચોકથી પ્રસ્થાન કરી પરંપરાગત રીતે કુંભાર શેરી, વાઢાળા ચોક, માણેક ચોક, ગોપીનાથજી દેવ મંદિર, ટાવર ચોક, બોટાદ ઝાંપા, પોલીસ લાઈન, સ્ટેશન રોડ, મોહનભાઇના બાવલા પાછળથી જીનનાકા થઈને અંબાજી ચોક ખાતે સાંજે ૮ કલાકે વિસર્જન પામશે. આ રથયાત્રા માટે આશરે સો મણ ઉપરાંત કઠોળના પ્રસાદનું વિતરણ કરાશે. રંગદર્શી ફલોટસ, આદિવાસી નૃત્ય મંડળી, નાસિક ઢોલ ટીમ, કાઠીયાવાડી રાસ મંડળી, ટેડી બિયર, વાંસ ઉપર ચાલતા લંબુ, કપિ માનવ, અખાડા મંડળી, રાસ મંડળીઓ, બેન્ડ સહિત જુદા જુદા અનેક આકર્ષણો જોવા મળશે. ૫૦ ઉપરાંત વાહનોના કાફલા સાથે રથયાત્રા યોજાશે. આ રથયાત્રાને  દિવ્ય બનાવવા સમિતિ, મંડળો અને સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. આ રથયાત્રા દરમિયાન જીલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે

 


Google NewsGoogle News