પ્રશ્નોરા નાગર પરિવારના બહેનોએ બેઠા ગરબાની પરંપરા જાળવી રાખી

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
પ્રશ્નોરા નાગર પરિવારના બહેનોએ બેઠા ગરબાની પરંપરા જાળવી રાખી 1 - image


- પ્રાચીન પરંપરાગત વાદ્યોના સંગાથે જગદંબાની આરાધના

- બેઠા ગરબામાં કોરસનું પણ એક આગવુ મહત્વ છે, કોરસ થકી જ આ ગરબાનું સ્વરૂપ વધારે નિખરતુ હોય છે

ભાવનગર : આદ્ય શકિતની ઉપાસનાના મહાપર્વ નવલા નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમવાનું અને રાસે રમવાનું તો મહત્વ છે જ, પરંતુ ભાવનગરમાં નાગર પરિવારના ભાવિકો દ્વારા ગરબે ઘૂમવાના બદલે જગત જનની જગદંબાની અનોખી રીતે આરાધના કરી રહ્યા છે. પ્રર્વતમાન ડિસ્કો દાંડીયાના યુગમાં માતાજીની આરાધનાના શુધ્ધ, સાત્વિક અને સૂરીલા રૂપ તરીકે નાગર સમાજના મંડળના બેઠા ગરબા બદલાઈ રહેલા યુગમાં પણ આદર્શ પરંપરાના ધ્વજને સદાય ફરકતો રાખનારા છે તેમ કહી શકાય તેમ છે. 

ભારતીય સંસ્કૃતિનો ગૌરવવંતો સાંસ્કૃતિક વારસો અને પ્રાચીન પરંપરાને પણ જીવંત રાખવા નાગર બ્રાહ્મણ પ્રયાસરત છે. નાગર બ્રાહ્મણોની પેેઢી દર પેઢીથી નવરાત્રિમાં બેઠા ગરબા ગાઈને માતાજીની ઉપાસના કરવાની સદીઓ જુની પરંપરાને ભાવનગર શહેરના કાળીયાબીડમાં રહેતા પ્રશ્નોરા બ્રાહ્મણ જ્ઞાાતિના બહેનો આગળ ધપાવી રહ્યા છે. અત્રેના બહેનો છેલ્લા ૧૩ થી વધુ વર્ષથી નવરાત્રિ મહોત્સવ દરમિયાન દરરોજ ઘેર ઘેર બેઠા ગરબાગાન કરી માતાજીની આરાધના કરી રહ્યા છે. એકબાજુ ચોમેર ડીજે અને ઓરકેસ્ટ્રાના સંગાથે નવરાત્રિ ઉજવાઈ રહેલ છે. ત્યારે નાગર પરિવારના બહેનો બેઠા ગરબાની સદીઓ પુરાણી પરંપરાને ટકાવી રાખવા માટેનું સ્તુત્ય અને પ્રેરણાદાયક સત્કાર્ય કરી રહ્યા છે. બેઠા ગરબા દ્વારા ખરા ભાવથી માતાજીની ઉપાસના થતી હોય છે. જેમાં ભાવ ઉમેરાતા કંઠ અને લય સહજ રીતે જુગલબંધી રચી દે છે. લોકવાયકા મુજબ નાગર જ્ઞાતિ પર સરસ્વતી માતાજીની વિશેષ કૃપા હોય છે. તેથી જ નાગર પરિવાર અને સમાજના સૌ કોઈ સાથે બેસી અને લયબધ્ધ રીતે એેટલા સુંદર અને સુરીલા ગરબા ગાય છે કે, આખુ વાતાવરણ ભકિતમય બની જાય છે. આ બેઠા ગરબામાં કોરસનું પણ એક આગવુ મહત્વ છે. કોરસ થકી જ આ ગરબાનું સ્વરૂપ વધારે નિખરતુ હોય છે. કાળીયાબીડમાં પ્રશ્નોરા નાગર પરિવારના બહેનોનું વૃંદ ઘેર ઘેર બેઠા ગરબાનું મનોહર ગાન કરી વાતાવરણમાં ભકિતમય પ્રભાવ જગાવી રહ્યા છે. મોગલ સલ્તનતના સમયથી સમસ્ત નાગર પરિવારો દ્વારા બેઠા ગરબા યોજાઈ રહ્યા છે. એક માન્યતા મુજબ બેઠા ગરબાની શરૂઆત જુનાગઢના નાગરવાડા વિસ્તારમાંથી થઈ હોવાનું કહેવાય છે. ત્યારથી તેની પરંપરા અંદાજે સાતેક દાયકાથી ચાલી આવે છે. આ બેઠા ગરબા વડનગરા નાગરોની સદીઓ જુની આગવી પરંપરા મૂળ જુનાગઢીઓ જયા જયાં વસ્યા ત્યાં ત્યાં ફેલાઈ છે અને નાગરોના વાડાઓ પૈકીના પ્રશ્નોરા બ્રાહ્મણોએ આ પરંપરાને જાળવી રાખી જ્ઞાતિનું નામ ઉજાગર કરી રહ્યા છે તેમ પરિવારના અગ્રણી આસુતોષ આવસત્થીએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, માતાજીના અલગ અલગ શણગાર, સ્વરૂપ અને ભાવના વર્ણન સાથેના આ બેઠા ગરબામાં પ્રાચીન વાદ્યોનો જ સહારો લેવામાં આવે છે. તાલીઓ, ગાયન,ઢોલક, ઝાંઝ અને ખંજરીના સંગાથે લયબધ્ધ થઈને ગવાતા બેઠા ગરબામાં ખરેખર માતાજીની સન્મુખ થઈને ઝુમતા હોય તેવી અનુભૂતિ સૌ કોઈને થાય છે. 


Google NewsGoogle News