શહેરમાં સિંધી સમાજ આજે લોહરીના તહેવારની ઉજવણીમાં મગ્ન બની જશે
- શ્રધ્ધાળુઓ લોહરીમાં તલ, ગોળ અને મગફળી ભાવપૂર્વક ચઢાવશે
- નવા તેમજ જુના સિંધુનગર, રસાલા કેમ્પ સહિતની સિંધી વસાહતોમાં લોહરીનું વિધિવત પ્રાગટય કરવામાં આવશે
મકરસંક્રાતિના તહેવારના એક દિવસ અગાઉ ભાવનગર સહિત દેશભરમાં તા.૧૩મીએ સિંધી સમાજ દ્વારા લોહરીનો તહેવાર ઉજવાય છે. મૂળ પંજાબ અને હરીયાણાના વતની અને સિંધી અને પંજાબી સમાજના આ મુખ્ય તહેવારના અવસરે ગોહિલવાડમાં સ્થાયી થયેલા સિંધી પરિવારો દ્વારા સિંધી વસાહતોમાં ચાર રસ્તાઓ પર, ચોકમાં લોહરી પ્રજવલિત કરવામાં આવશે. એટલુ જ નહિ સમાજના ભાવિકો દ્વારા આ અગ્નિમાં તલ, ગોળ,રેવડી, મકાઈ અને મગફળી સહિતની ખાદ્યસામગ્રીઓ ભાવ અને ભકિતપુર્ણ રીતે ચઢાવવામાં આવશે. આ સાથે નવવિવાહિત યુગલો દ્વારા સુખી વૈવાહિક જીવનની કામના અર્થે લોહરીની ભાવભેર પ્રદક્ષિણા કરવામાં આવશે.નવા પાકની વાવણી અને કાપણીની સાથે જોડાયેલા આ તહેવાર નિમીત્તે પંજાબના વતની સિંધી સમાજ દ્વારા નવા પાકની પૂજા કરવામાં આવે છે. દુલ્લા ભટ્ટીની સ્મૃતિમાં પ્રતિ વર્ષે ઉજવાતા આ તહેવાર અંતગર્ત લોહરીના પવિત્ર અગ્નિમાં સિંધી પરિવારો દ્વારા તલના લાડુ, મકાઈ અને શીંગદાણા ચઢાવવામાં આવશે. ત્યારબાદ શ્રધ્ધાળુઓ દ્વારા ડીજેના તાલે લોહરી પર્વના કર્ણપ્રિય ભકિતગીતોના સંગાથે ભાવિકો રીતસરના ઝુમી ઉઠશે.