Get The App

ગોહિલવાડના શિવાલયો હર... હર... મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
ગોહિલવાડના શિવાલયો હર... હર... મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે 1 - image


- આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ

- ઠેર-ઠેર પૂજા અર્ચના, બિલ્વપત્ર પૂજન, રૂદ્રાભિષેક, લઘુરૂદ્ર, અખંડ મંત્રજાપ, આરતી અને શિવસત્સંગ સહિતના કાર્યક્રમો યોજાશે

ભાવનગર : ગોહિલવાડમાં આવતીકાલ તા.૫ ઓગસ્ટથી દેવાધિદેવ મહાદેવની આરાધનાના મહાપર્વ પાવનકારી શ્રાવણ માસનો સોમવારથી શુભારંભ થશે અને તમામ પૌરાણિક અને અર્વાચીન શિવાલયોમાં સોમવારે વહેલી સવારથી જ ભોળાનાથની ઉપાસના કરવા આબાલવૃધ્ધ શિવભકતો બહોળી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડશે આ સાથે શિવાલયો હર હર મહાદેવના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠશે. 

શિવભકતો જેની કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યા હતા તે પાવનકારી શ્રાવણ માસનો આવતીકાલ તા.૫ ને સોમવારથી શુભારંભ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં ભકિત અને આસ્થાના પવિત્ર શ્રાવણ માસનું સૌથી વધારે મહત્વ હોય આવતીકાલથી ભાવનગર શહેર અને જિલ્લાના શિવાલયોમાં શિવભકતોની શિવ ઉપાસના કરવા માટે ભારે ભીડ દ્રશ્યમાન થશે. શ્રાવણ માસને લઈને ભાવનગર શહેરના ભીડભંજન, તખ્તેશ્વર, જશોનાથ, બારશે, રામેશ્વર, અર્જુનેશ્વર, નારેશ્વર, બિલેશ્વર, કૃષ્ણેશ્વર, થાપનાથ, આખલોલ,કોટેશ્વર, ભૂલેશ્વર તેમજ સોમનાથ ઉપરાંત નાના અને મોટા ગોપનાથ, મંદિરોની નગરી છોટે કાશી સિહોરના નવનાથ, ભવનાથ સહિત ગોહિલવાડના નામી અનામી પૌરાણિક અને અર્વાચીન શિવાલયોમાં ભાવીકો ઉમટી પડશે અને દર્શન, જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલ્વપત્ર પૂજા કરીને તેમજ એકટાણા અને ઉપવાસ કરીને ધન્યતા અનુભવશે. શિવાલયોમાં ચાર પ્રહરની મહાઆરતી, દિપમાળ, રૂદ્રીપાઠ, લઘુરૂદ્ર,અખંડ મંત્રજાપ, પાર્થિવ શિવપૂજા અને શિવસત્સંગ સહિતના કાર્યક્રમો યોજાશે. શ્રાવણ માસમાં ધર્મ, ભકિત, ધર્મસ્થાનોના યાત્રા પ્રવાસ, સાધુ, સંતો, મહંતો, પૂજારીઓને અન્નદાન, રોકડદાન અને વસ્ત્રદાન,પુણ્ય, દેવદર્શન અને જીવદયા પ્રવૃતિઓનો ચોતરફ ભારે ધમધમાટ જોવા મળશે. આ વખતનો શ્રાવણ મહિનો શિવભકતો માટે ખુબ જ ખાસ રહેશે કારણ કે, આ વખતે સતત પાંચ સોમવાર સુધી શિવભકિતનો લ્હાવો મળશે. એટલુ જ નહિ આ વખતે શ્રાવણ માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, સોમવતી અમાસ તેમજ શ્રાવણ માસનું સમાપન સહિતના મહત્વના પ્રસંગો પણ સોમવારે જ આવે છે આથી સોમવારનો દબદબો વધુ રહેશે. 

શ્રાવણ માસનું વિશેષ મહત્વ

દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું. જેના કારણે મહાદેવ નિલકંઠ કહેવાયા હતા. ઝેરની અસરથી સૃષ્ટિને બચાવવા માટે મહાદેવ વિષપાન કરે છે અને પોતાના ગળામાં નિલકંઠ ધારણ કરીને નિલકંઠ બને છે. આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો દ્વારા તેમના પર જળાભિષેક કરવામાં આવે છે. 


Google NewsGoogle News