શિયાળો જામતા લાલચટ્ટાક જમરૂખના વેચાણમાં ઉછાળો
- નેશનલ હાઈવે પર રોડની બંને બાજુ જમરૂખના હાટડાઓ
- ગળપણ, ખટાશ અને તુરાશ મિશ્રીત જમરૂખની મહત્તમ ડિમાન્ડ, ભાવ ઓછા હોય ખપત વધી
ંઆરોગ્યવર્ધક શિયાળાની ઋુતુના પ્રારંભની સાથે જ શહેરના નારી ચોકડી, ગઢેચી વડલા, નિર્મળનગર, ગંગાજળીયા તળાવ તેમજ મેઈન તેમજ પરા વિસ્તારોની શાકમાર્કેટ, બસ સ્ટેશન,રેલવે સ્ટેશન તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ લાલચટ્ટાક અને સફેદ જમરૂખના હાટડા મંડાઈ જાય છે. આ સીઝનમાં ફ્રુટ અને શાકબકાલાની લારી ભરી ફેરી કરી રહેલા અન્ય છુટક વિક્રેતાઓ પણ સીઝન દરમિયાન જમરૂખના વેચાણ તરફ વળી રહ્યા છે. અલ્પાહાર કે, ફકત શાક માટે નહિ બલકે જમરૂખમાંથી જામ, જેલી અને શરબત પણ બનાવવામાં આવતુ હોય જમરૂખનો જથ્થો વિક્રેતાઓ પણ મંગાવતા હોય છે. સિહોર તાલુકાના ઘાંઘળી, વરતેજ, કરદેજ, ઉંડવી, સિહોર, સોનગઢ, તરશીંગડા, સોડવદરા, રંઘોળા, તળાજા તાલુકાના નેશિયા, બોરલા તેમજ દકાના સહિતના અનેક ગામડાઓમાંથી ભાવનગરની બજારોમાં મીઠામધ જમરૂખ ઢગલામોઢે આવી રહ્યા છે. જે પૈકી આંબલાથી વરતેજ સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં જમરૂખનું મહત્તમ ઉત્પાદન થાય છે તેમ જણાવી જમરૂખના વિક્રેતાએ વધુમાં જણાવ્યુ હતુ કે, સામાન્ય રીતે દિવાળીથી પોષ માસ સુધીની જમરૂખની રળવાની સીઝન હોય છે. અત્રે એ ખાસ નોંધનીય છે કે, ભાવનગર જિલ્લાના જમરૂખનો જથ્થો રાજયના અન્ય મહાનગરોમાં પણ ડિમાન્ડ મુજબ મોકલાય છે. આ જમરૂખના હોલસેલ અને રિટેઈલ ભાવ તેની નીત્ય આવક પર નિર્ભર રહેતા હોય છે. જેમાં સ્થાનિક હોલસેલ માર્કેટમાં રૂા ૫૦ આસપાસના ભાવે હરરાજીમાં જઈ રહ્યા છે. જયારે છુટકમાં રૂા ૫૦ થી ૮૦ આસપાસના ભાવે ગુણવત્તાના ધોરણ મુજબ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
હવે તો શાકભાજીના મેનુમાં પણ જમરૂખ સામેલ થયા
લગ્નસરાની સીઝન જામતા અને આવક ઓછી હોય ત્યારે લીલાછમ્મ શાકભાજીના ભાવ સ્વાભાવિકપણે આસમાનને આંબી જાય છે ત્યારે મધ્યમવર્ગીય ગૃહિણીઓ જમરૂખ મરચાના શાક બનાવીને રોડવતી હોય છે.હવે તો પરપ્રાંતની હાઈવે પરની હોટલ, ધાબામાં કાઠીયાવાડી ભોજનની સાથે તેમજ માંગલિક પ્રસંગોમાં પણ વધારાની સબ્જી તરીકે જમરૂખના શાક મેનુમાં સામેલ થયા છે.